ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પાણીની વિકટ પરિસ્થિતિથી લોકો વાકેફ થાય, પાણીની સમસ્યા અંગે જાણે, વિચારે અને કયા ઉપાયો થકી પાણીના તળ ઊંચા લાવી શકાય તે સંપૂર્ણ સ્થિતિથી માહિતગાર કરવા માટે કેન્દ્રીય ભૂગર્ભ જળ સંશોધન વિભાગ દ્વારા સેમિનાર યોજાયો હતો.

ભારત સરકારના જળશક્તિ મંત્રાલયના કેન્દ્રીય ભૂગર્ભ જ સંશોધન વિભાગ દ્વારા આજે ડીસા તાલુકાના વરણ ગામે જાગૃતિ સેમીનાર યોજવામાં આવ્યો હતો. ગ્રાઉન્ડ વોટર રિસોર્સ વિભાગ દ્વારા છેલ્લા એક મહિનાથી વરણ ગામે પાણીનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે. જેમાં તપાસ કરતા અત્યારે 600 ફૂટથી પણ વધુ ઊંડા પાણીના તળ ઉતરી ગયા છે.

પાણીના તળ ઊંડા જતા ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે. ત્યારે પાણીની સ્થિતિ, સમસ્યા અને તેનાથી ઉદ્ભવતા પ્રશ્નો અંગે લોકો જાગૃત થાય તે માટે વરણ ગામે મંદિરમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ગામના આગેવાન નાગજીભાઈ પરમાર, પરબતભાઈ દેસાઈ સહિત શાળાના વિદ્યાર્થીઓ ગામના લોકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ અંગે વૈજ્ઞાનિક ડી નરેશ જાદવ, કેમેસ્ટ્રી ડો. હરભજન મીણાએ જણાવ્યું હતું કે, અત્યારે પાણી ના તળ ખૂબ જ ઊંડા પહોંચ્યા છે અને તેના કારણે વિકટ સમસ્યા સર્જાય છે. પાણીમાં ટીડીએસ, ક્લોરાઇડ અને નાઈટ્રેટનું પ્રમાણ પણ ખૂબ જ વધુ જોવા મળ્યું છે. આવું પાણી સતત પીવાથી લોકોને દાંત અને સાંધાની તકલીફોમાં પણ વધારો થઈ શકે છે. આ પરિસ્થિતિથી બચવા માટે લોકોએ વરસાદનુ વધુમાં વધુ પાણી બચાવવું જોઈએ. બોરવેલ, કુવા, તળાવો રિચાર્જ કરવા જોઈએ અને સિંચાઈમાં પણ શક્ય તેટલા ઓછા પાણીએ થતી ખેતી કરવી જોઈએ તો જ ભવિષ્યમાં આવનારા પાણીના ગંભીર સમસ્યાઓ અને વિકટ પરિસ્થિતિથી ઉભરી શકાશે.