ડીસામાંથી પસાર થતી બનાસ નદીના પટમાં કેટલાક તત્વો વેસ્ટ કચરો નાખી તેને સળગાવી પવિત્ર નદીને પ્રદૂષિત કરી રહ્યા છે. ત્યારે આ મામલે પર્યાવરણ પ્રેમીઓમાં પણ ભારે રોષ ઉઠ્યો છે. જેથી આ મામલે બનાસ નદીના પટમાં વેસ્ટ કચરો નાખનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
બનાસકાંઠા જિલ્લાની પવિત્ર નદી બનાસ નદી ડીસામાંથી પસાર થાય છે. ત્યારે ડીસાના બનાસ પુલ નીચે નદીના પટમાં કેટલાક તત્વો દ્વારા વેસ્ટ કચરો નાખવામાં આવે છે. લોકોના જણાવ્યા અનુસાર કચરો ભરેલી ગાડી વહેલી સવારે આવે છે અને કચરો ઠાલવી અને બાદમાં તેને સળગાવી નાખવામાં આવે છે.
જેથી કેટલીકવાર આ ધુવાડાના લીધે બનાસ પુલ ઉપરથી પસાર થતા ટુવ્હિલર લઈને જતા વાહન ચાલકોને પણ ધુમાડાના લીધે ભારે હેરાન પરેશાન થવું પડે છે. આ ઉપરાંત પવિત્ર બનાસ નદી પણ પ્રદૂષિત થઈ રહી છે. બનાસ નદીના પુલ ઉપરથી અનેક અધિકારીઓ પણ કેટલીવાર પસાર થતા હોય છે અને આ નજારો દેખતો હોય છે.
પરંતુ તેઓ પણ પોતાના આંખ ખાડા કાન કરી રહ્યા છે. ત્યારે બનાસ નદીના પટમાં સળગાવવામાં આવતા કચરાના લીધે બનાસ નદી પટમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. આ મામલે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
ડીસાના બનાસ નદીના પટમાં જે વેસ્ટ કચરો નાખવામાં આવે છે તે કચરો મોટાભાગના ડીસાના હાઇવે ઉપર આવેલી તબીબોની હોસ્પિટલોનો વેસ્ટ કચરો હોવાનું ચર્ચાઇ રહ્યું છે અને તબીબો તેનો યોગ્ય રીતે નિકાલ કરવાના બદલે બનાસ નદીના પટમાં ઠાલવી તેને સળગાવી નાખે છે.