ડીસા તાલુકાના ભોયણ ગામે પતંગ લૂંટવા ગયેલો ચાર વર્ષીય બાળક દીવાલ પરથી પડતા ગંભીર ઈજા પહોંચી હોવાની ઘટના સામે આવી છે. ઇજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે.
ઉત્તરાયણને લઈ બાળકોમાં ખૂબ જ ઉત્સાહ હોય છે અને બાળકો પતંગ ચગાવવાની સાથે સાથે લૂંટવાની પણ ભારે મજા માણતા હોય છે, પરંતુ આ મજા ક્યારેક સજામાં પણ ફેરવાઈ જાય છે. આવી જ એક ઘટના ડીસા તાલુકાના ભોયણ ગામે બની છે. 4 વર્ષીય અજય વાલ્મિકી નામનો બાળક પતંગ લૂંટવા માટે જર્જરિત દીવાલ પર ચડ્યો હતો.
અચાનક દીવાલ પરથી પડતા બાળકને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે તેના પરિવારજનો સહિત આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. બાળકને પગના ભાગે ફ્રેક્ચર થતા અત્યારે સારવાર હેઠળ છે.