ડીસામાં ઉત્તરાયણ પર્વના ફરસાણના સ્ટોલ પર સવારથી જ ઊંધિયું, ફાફડા, જલેબી ખરીદવા માટે લોકો ઉમટી પડ્યા હતા અને એક અંદાજ મુજબ દિવસ દરમ્યાન 30 લાખથી વધુનું ઊંધિયું, જલેબી ફાફડા ડીસાવાસીઓ જાપટી ગયા હતા.
મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે ડીસા વાસીઓ વહેલી સવારથી ઊંધિયું, જલેબી ફાફડા અને ચોળાફળી લેવા માટે પહોંચ્યા હતા. પતંગ ચગાવતા પહેલા ઊંધિયું લેવા માટે લોકો લાઇનમાં લાગી ગયા હતા. મુખ્ય બજાર વિસ્તારમાં આવેલ જૂની દુકાનો સહિત જલારામ મંદિર, પશુ બજાર, ફુવારા સર્કલ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી ઊંધિયું લેવા માટે લોકો ફરસાણની દુકાને પહોંચ્યા હતા. ગત વર્ષ કરતાં ઊંધિયાના ભાવમાં પણ ખાસ કંઈ વધારો જોવા મળ્યો ન હતો જેથી લોકોમાં ભારે ઉત્સાહ હતો.
શહેરમાં અંદાજીત 100 જેટલા સ્ટોલ લાગ્યા હતા. જેમાં 10 હજાર કિલોગ્રામ ઊંધિયું-જલેબીનું વેચાણ થયું હોવાનો અંદાજ છે. ડીસામાં ઊંધિયાનો ભાવ 260 રૂપિયા કિલો છે. જો કે, આજના દિવસે ભીડ રહેતી હોવાથી કેટલાક લોકો એડવાન્સ ઓર્ડર પણ આપ્યા હતા. ઊંધિયું-જલેબીની સાથે સાથે બોર, શેરડી, ચીકી, તલના લાડુનો સ્વાદ પણ લોકોએ માણ્યો હતો અને દિવસભર અનેક સોસાયટી, એપાર્ટમેન્ટમાં તો ધાબા પાર્ટીનું પણ આયોજન કર્યું હતું.