બટાકા નગરી તરીકે ઓળખાતાં ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં બટાકા નીકાળવાની સીઝન શરૂ થઇ ગઇ છે. પરંતુ આ વર્ષે વારંવાર બદલતા મોસમના મિજાજની વિપરીત અસર બટાકાના ઉત્પાદન પર થઇ છે અને જેથી સારા ઉપજની ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે.

આમ તો સમગ્ર ગુજરાતમાં બટાકાનું સૌથી વધુ વાવેતર ડીસા પંથકમાં થાય છે. પરંતુ છેલ્લા કેટલાંક વર્ષોથી સતત બટાકાનું વાવેતર ઘટી રહ્યું છે જેનું મુખ્ય કારણ છે કુદરતી પ્રકોપ. કારણ કે, દર વર્ષે અલગ-અલગ કુદરતી પ્રકોપના કારણે બટાકાની ખેતી પર વિપરીત અસર થઇ રહી છે. જેથી બટાકાનું વાવેતર કરતાં ખેડૂતોની હાલત પણ દયનીય બની રહી છે.આ

 વર્ષે પણ સારૂ ઉત્પાદન મળશે તેવી આશાએ બનાસકાંઠા જીલ્લામાં 52 હજાર હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર થયું હતું. જેમાંથી 36 હજાર હેક્ટર માત્ર ડીસા પંથકમાં જ ખેડૂતોએ બટાકાનું વાવેતર કર્યું હતું. આમ તો એક વીઘામાં અંદાજીત 170 થી 180 કટ્ટા જેટલાં બટાકાનું એવરેજ ઉત્પાદન થાય છે. પરંતુ આ વર્ષે વારંવાર વાતાવરણમાં પલટો રહ્યો હતો અને ઠંડી પણ જોઇએ તેવી પડી નથી. જેની સીધી અસર બટાકાના ઉત્પાદન પર થઇ છે અને તેથી પૂરતાં પ્રમાણમાં અને યોગ્ય સાઇઝના બટાકા ન થતાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ પણ મળી રહ્યા નથી.

આ અંગે બટાકાની ખેતી અંગે ખેડૂત અગ્રણી ભૂપતજી ઠાકોર અને પ્રહલાદભાઇ ઠાકોરે જણાવ્યુ હતું કે, ગત વર્ષે પણ કમોસમી માવઠાના કારણે બટાકાનું વાવેતર નિષ્ફળ ગયું હતું અને કેટલાંય હેક્ટરમાંથી ખેડૂતોએ વાવેલા બટાકા નીકાળી દીધા હતા. ત્યારબાદ આ વર્ષે પણ સારો ભાવ મળશે તેવી ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા હતા. પરંતુ આ વર્ષે પણ પૂરતું અને યોગ્ય ઉત્પાદન ન થતાં ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

આ અંગે માર્કેટયાર્ડના સેક્રેટરી અમરતભાઇ જોષીએ પણ જણાવ્યું હતું કે, અત્યારે ડીસા માર્કેટયાર્ડમાં પણ બટાકા ખરીદવાની શરૂઆત થઇ ગઇ છે અને ખેડૂતોને 20 કિલોના અંદાજીત 150 રૂપિયા જેટલો ભાવ મળે છે. પરંતુ માર્કેટયાર્ડના સંચાલકોનું પણ માનવું છે કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતાં નથી.

ડીસાએ બટાકા નગરી તરીકે ઓળખાતું શહેર છે પરંતુ છેલ્લા કેટલાંક વર્ષોથી કુદરતી પ્રકોપના કારણે બટાકાની ખેતી પર ગંભીર અસર થઇ રહી છે. ખેડૂતોને બટાકામાં પોષણ સંભાળો ન મળતાં હવે ખેડૂતો બટાકાની ખેતીથી કંટાળી ગયા છે. ત્યારે આવનાર સમયમાં ક્યાંક ખેડૂતો બટાકાની ખેતી છોડી અન્ય ખેતી તરફ વળે અથવા તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ તરફ વળે તેવી પરિસ્થિતિ દેખાઇ રહી છે.