ડીસા તાલુકાના ભીલડીના એક કરિયાણાના વેપારીએ ડીસાના હોલસેલ વેપારી પાસેથી માલ લઈ રૂપિયા ન ચૂકવતા ફરિયાદ નોંધાઇ હતી. જે મામલે ડીસાની બીજી એડિશનલ ચીફ જ્યુરિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ચેક રિટર્ન કેસમાં ભીલડીના વેપારીને છ માસની સાદી કેદ અને ચેકની રકમના નાણાં ન ચૂકવે તો વધુ એક માસની સાદી કેદની સજા ફટકારવાનો હુકમ કર્યો છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના ભીલડી ખાતે મંગલસિંહ બચુજી સોલંકી કરિયાણાની દુકાન ધરાવે છે. તેઓ ગત તારીખ 28 એપ્રિલ 2021ના રોજ ડીસા બજારમાં ખરીદી કરવા આવ્યા હતા. ત્યારે તેઓએ ડીસાના રીસાલા બજારમાં આવેલી મહાદેવ ટ્રેડર્સ માંથી રૂપિયા 1,03,531નો કરિયાણાનો માલ સામાન ખરીદ્યો હતો. તેમજ તેના પૈસા બાકી રાખી પાછળથી આપવાનું જણાવ્યું હતું. જોકે ત્યારબાદ મહાદેવ ટ્રેડર્સના માલિક કરસનજી તગાજી જોશીએ માલના પૈસાની ઉઘરાણી કરતા તેઓએ ચેક આપ્યો હતો અને જે ચેક કરસનજી જોશીએ તેમના ખાતામાં નાખતા ચેક રિટર્ન થયો હતો.

ત્યારબાદ તેઓએ મંગલસિંગને વાત કરતા તેઓએ હાલ કોઈ કેસ કરતા નહીં કે નોટિસ આપતા નહીં હું તમને બે દિવસમાં પૈસા આપી દઈશ તેમ જણાવતા કરસનજીએ તેમના પર ભરોસો રાખ્યો હતો. જોકે, ત્યારબાદ તેઓ વારંવાર વાયદા કરી પૈસા ન આપતા આખરે કરસનજીએ તેમના વકીલ મારફત ચેક રિટર્નની ફરિયાદ નોંધાવી હતી.

જે કેસ ડીસાની બીજી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ની કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ એ. એચ. મકરાણી એ ફરિયાદ પક્ષના વકીલ જે. એન. જોશીની દલીલોને ગ્રાહ્ય રાખી મંગળસિંહ બચુજી સોલંકીને ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ તકસીરવાન ઠેરવી છ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. ન્યાયાધીશે ચુકાદામાં એમ પણ જણાવ્યું હતું કે, ચેકની રકમ રૂપિયા 1,03,531 આરોપીએ 60 દિવસમાં ફરિયાદીને વળતર તરીકે ચૂકવી આપવી.જો આરોપી વળતરની રકમ ન ચૂકવે તો વધુ એક માસની સાદી કેદની સજાનો પણ હુકમ કર્યો હતો.