ડીસામાં એક પરિવારે પોતાના બે મકાનો ફાઇનાન્સ કંપનીના મોર્ગેજ કરી લોન લીધેલી હોવા છતાં બંને મકાનોના ખોટા દસ્તાવેજો બનાવી અન્ય વ્યક્તિને વેચીને છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. જે મામલે મકાન ખરીદનાર પીડીત ખેડૂતે આ બાબતે ચાર લોકો સામે ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની વિગત એવી છે કે, મૂળ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના જાખા ગામે રહેતા જૈમીનકુમાર કમશીભાઇ દેસાઈ છેલ્લા ઘણા સમયથી ડીસાના ભોયણ રોડ પર પ્રિતમનગરમાં આવેલ જયશ્રી પાર્ક સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ આલ અને તેમના પરિવારના પરિચયમાં હતા.
આ દરમિયાન જૈમીનભાઇએ તેઓને ડીસામાં મકાન ખરીદવાનું હોવાનું જણાવતા પ્રકાશભાઈએ તેમના બે મકાનો વેચવાના હોવાનું જણાવ્યું હતું. આ મકાનો જોઈ ખરીદવાની તૈયારી દર્શાવતા એક મકાન પ્રકાશભાઈના નામે અને એક મકાન તેમની માતા રૂખીબેનના નામે ચાલતા હતા. જેથી બંને વચ્ચે વાતચીત થઈ સોદો થયો હતો.
જ્યારે તેઓએ મકાનનો નહિ પણ પ્લોટનો દસ્તાવેજ કરીને આપીશું. જેમાં તમને પણ ફાયદો થશે તેવું જણાવતા ડીસા સબ રજિસ્ટ્રાર કચેરીએ દસ્તાવેજ કરી દેવાયો હતો. જોકે બાદમાં જૈમીનભાઇએ તપાસ કરતા પ્રકાશભાઈ અને તેમની માતા રૂખીબેનના નામે ચાલતા મકાનો પ્લોટ નંબર 167 તથા 20 પૈકી ઉપર ચોલામંડલમ ફાઇનાન્સ કંપની અને મેગમાં હાઉસિંગ ફાઇનાન્સ પાસેથી વર્ષ 2017માં મકાનના દસ્તાવેજ તારણમાં મૂકી રૂપિયા 42.45 લાખની લોન લીધેલી હતી. જે લોનના બોજાવાળી મિલકતો પ્રકાશભાઈએ જૈમીનભાઇને અંધારામાં રાખી તારીખ 17/ 7/2020ના રોજ રજીસ્ટર દસ્તાવેજથી વેચાણ કરી હતી.
આમ ફાઇનાન્સ કંપનીમાં મકાન તારણમાં હોવા છતાં ખોટું કૂટલેખન કરી ખોટા દસ્તાવેજ હોવાનું જાણવા છતાં ખોટા દસ્તાવેજોના ખરા તરીકે ઉપયોગ કરી એક જ મિલકત બાબતે અન્ય ખોટા દસ્તાવેજો બનાવી છેતરપિંડી કરી હતી. જે બાબતે જૈમીનભાઇ દેસાઈએ ડીસા કોર્ટમાં પ્રકાશભાઈ આલ, રૂખીબેન આલ, અમરતભાઈ આલ તેમજ સાગરભાઇ રબારી સામે ફરિયાદ નોંધાવતા કોર્ટના આદેશથી ડીસા દક્ષિણ પોલીસે ચારેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.