કેન્દ્ર સરકાર દ્વારા હિટ એન્ડ રનના કેસમાં કાયદામાં કડક સજા અને ભારે દંડની જોગવાઈથી દેશભરમાં વિરોધનો વંટોળ ઊભો થયો હતો. જેને લઇને કેન્દ્ર સરકારે હાલ પૂરતી આ કાયદામાં રાહત આપતા ડીસા ટેક્સી એસોસિએશન દ્વારા આતશબાજી કરી એકબીજાનું મોં મીઠું કરાવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
કેન્દ્ર સરકારે હિટ એન્ડ રનના કેસમાં અકસ્માત કરનાર વાહન ચાલક ભાગી જાય તો દસ વર્ષ સુધીની સજા અને સાત લાખ રૂપિયાનો દંડની આકરી જોગવાઈ કરતો નવો કાયદો બહાર પાડ્યો હતો. જો કે, આ કાયદો અમલમાં આવે તે પહેલા જ દેશભરમાં પેસેન્જર અને માલ વાહક વાહનોના ડ્રાઇવરો દ્વારા વિરોધનો વંટોળ શરૂ થયો હતો. ઠેર-ઠેર ડ્રાઇવરો દ્વારા હડતાળ અને ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. જેને લઈને સરકારે તાત્કાલિક બેઠક યોજી આ કાયદો હાલ પૂરતો લાગુ નહીં કરવાની વાત કરી રાહત આપતા ડ્રાઇવરોએ હડતાળ સમેટી લીધી હતી. સરકારના નિર્ણયથી ડીસા ટેક્સી એસોસિયેશન દ્વારા આતશબાજી કરવામાં આવી હતી.
આ અંગે ડીસા ટેક્સી એસોસિએશનના પ્રમુખ રાજુભાઇ ઠાકોરે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે હિટ એન્ડ રનના કેસમાં જે નવા કાયદામાં આકરી જોગવાઈ કરી તેને લાગુ નહિ કરવાનો નિર્ણય કરતા સરકારનો સમગ્ર વાહન માલિકો, ડ્રાઇવરો આભાર વ્યક્ત કરે છે. ડીસા એસોસિએશન દ્વારા સરકારનો આભાર વ્યક્ત કરી આતશબાજી પણ કરવામાં આવી હતી.