ચોટીલા-આણંદપુર રોડ પર પીઆવા ગામ પાસે પીકઅપ વાન અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકચાલકનું મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક પર સવાર મહિલાને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. આ અંગે ચોટીલા પોલીસ મથકે પીકઅપના ચાલક સામે ફરિયાદ નોંધાઈ હતી.ચોટીલામાં રહેતા હીરાભાઈ ભીખાભાઈ ખટાણાના નાનાભાઈ રત્નાભાઈ અને તેમના પત્ની રાધીબેન બાઈક પર જઈ રહ્યાં હતાં. તે દરમિયાન પીઆવા ગામના પાટિયા પાસે પીકઅપ વાનના ચાલકે બાઈકને અડફેટે લેતાં બાઈકચાલક સહિત પત્ની નીચે પટકાયા હતા.જેમાં બાઈકચાલક રત્નાભાઈને હાથે અને મોઢા પર ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ચોટીલા હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. જ્યારે પત્ની રાધીબેનને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં.