હિન્દુ સનાતન સંસ્કૃતિમાં એતિહાસિક પુનરાવર્તનની મંગલ ઘડીઓ નજીક આવી રહી છે તે અનુસંધાને અયોધ્યા મુકામે હાલ નિર્માણાધિન રામમંદિરમાં આગામી 22 જાન્યુ. ના રોજ રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠાના અવસરને લઈ સૌ કોઈ ઉત્સાહિત છે. રામ મંદિર માટે ગુજરાતના ભાવિક ભક્તોએ બનાવેલ ધનુષ, મંદિરનો મુખ્ય ઘંટ, વિશેષ ધાતુઓના મિશ્રણથી બનેલ વિશાળ દિવડો પ્રભુશ્રી રામ મંદિરની શોભા વધારવા અયોધ્યાના માર્ગે છે ત્યારે વડોદરાના રામભક્ત વિહાભાઈ ભરવાડે 276 કીલો ગૂગળ, 192 કીલો ગીરની ગાયનું સુદ્ધ ઘી, 1475 કીલો ગીર ગાયના છાણનો પાવડર, 425 કીલો હવન સામગ્રી ઉપરાંત તલ, જવ, કોપરાના છીણ વગેરેના ઉપયોગથી બનાવેલ 3500 કીલો વજનની 3.5 ફૂટ પહોળી અને 108 ફૂટ ઊંચી આગરબત્તીએ આજે વડોદરાથી અયોધ્યા માટે પ્રસ્થાન કર્યું હતું. જે કાલોલ ખાતે આવી પહોંચતા હાઇ - વે ને અડીને આવેલ તાલુકા પંથકમાં ગ્રામ્ય વિસ્તારો અને કાલોલ નગર ખાતે ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. જાજવલ્યમાન અગરબત્તીના સ્વાગત અને દર્શનો માટે કાલોલ બોરું ટરનિંગથી ગોકુલધામ સોસાયટી સુધીના માર્ગે ભક્ત મહેરામણ ઉમટી પડ્યો હતો. કાલોલ બસ સ્ટેન્ડ પાસે હિન્દુ યુવા સંગઠન, ડેરોલ ચોકડી નજીક નજીક ધી એમ.જી.એસ હાઇસ્કુલ અને શ્રીમતી સી.બી. ગર્લ્સ હાઇસ્કુલના વિદ્યાર્થીઓ, શૈક્ષણિક સ્ટાફ, કેળવણી મંડળના હોદ્દેદારો અને અંબિકા સોસાયટી ખાતે સોસાયટીના રહીશોએ અગરબત્તીને ફૂલ પાંખડીથી વધાવી દર્શન અને સ્પર્શ માત્રથી ધન્યતા અનુભવી હતી. આ વેળાઓએ પ્રભુ શ્રી રામના ગગનચુંબી જયઘોષથી વાતાવરણ રામ મય બન્યું હતું.અગરબત્તીની બનાવટને લઈ જણાવાઈ રહ્યું હતું કે આ અગરબત્તી અયોધ્યા મંદિરમાં ભગવાન શ્રી રામ બિરાજમાન થયા બાદના 45 દિવસો સુધી આ પવિત્ર ભૂમિને સુગંધિત રાખશે.