ડીસાના કચ્છી કોલોની વિસ્તારમાં અચાનક રસ્તા વચ્ચે ગાય આવી જતા બે એકટીવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બનાવને પગલે આજુબાજુના લોકોએ ભેગા થઈ એકટીવા ચાલકને સારવાર માટે ખસેડ્યો હતો.

ડીસાના કચ્છી કોલોની વિસ્તારમાં સાંજના સમયે શાકભાજીની લારીઓ વાળા ઊભા રહેતા હોવાથી ભારે ટ્રાફિકજામ સર્જાય છે અને શાકભાજીની લારીઓના કારણે રખડતી ગાયો પણ રોડ પર અડિંગો જમાવી દે છે. તે દરમિયાન બે એકટીવા ચાલક ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે અચાનક રસ્તા વચ્ચે ગાય આવી જતા એકટીવા ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બે એકટીવા સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બંને એકટીવા ચાલક રોડ પર પટકાતા ઈજા પહોંચી હતી.

આ બનાવને પગલે આજુબાજુના લોકો તરત જ દોડી આવ્યા હતા અને રાહત કામગીરી શરૂ કરી બંને એકટીવા ચાલકોને સાઈડમાં ખસેડ્યા હતા.તેમજ તેમના એકટીવા પણ રોડની સાઈડમાં ખસેડી રોડ ખુલો કરાવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, સાંજના સમયે કચ્છી કોલોની વિસ્તારમાં શાકભાજીની લારીવાળાઓ રોડ પર અડિંગો જમાવી દેતા હોય છે અને તેના કારણે રખડતા પશુઓ પણ અહીં મોટી સંખ્યામાં ફરતા હોય છે. જેથી અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે વારંવાર સર્જાતા અકસ્માતોથી લોકોને મુક્ત કરવા માટે પોલીસ દ્વારા લારીવાળાઓને સાઈડમાં ખસેડવામાં આવે તેવી વાહનચાલકોની માંગ છે.