ધાનેરાના સાંકડ અને રમુણા ગામના છ મિત્રો રણુંજા દર્શન કરી પરત આવતા હતા ત્યારે રાજસ્થાનના સાંચોર-બાડમેર હાઇવે ઉપર અચાનક ગાડી પલટી ખાઇ જતાં એક યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે પાંચને ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ ઘટનાને લઇ હોસ્પિટલમાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

ધાનેરા તાલુકાના સાંકડ તથા રમુણા ગામના છ મિત્રો રણુંજા દર્શન કરવા ગયા હતા. ત્યાં રામાપીરના દર્શન કરી પરત આવતા હતા. તે દરમિયાન રાજસ્થાનના સાંચોર-બાડમેર હાઇવે રોડ ઉપર ગાડી અચાનક પલટી ખાઇ જતાં અંદર બેઠેલ સાંકડ ગામના દિપકભાઈ પ્રતાપભાઈ ઠાકર (ઉં.વ.40) નું સ્થળ ઉપર મોત થયું હતું. જ્યારે પાંચ મિત્રોને ઇજાઓ થતાં તેઓને ધાનેરાની આયુષ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેને લઇ ભરતભાઈ ડોક્ટર તાત્કાલિક સારવાર કરી હતી.

આ બનાવને પગલે લોકો હોસ્પિટલ આગળ એકઠા થઇ ગયા હતા. ઇજાગ્રસ્તમાં દશરથભાઈ હીરાભાઈ સુથાર (ઉં.વ.38,રમુણા), વિક્રમભાઈ વાસુભાઈ ત્રિવેદી (ઉં.વ.28) (રહે.સાંકડ), પ્રકાશભાઈ દેવજીભાઈ પ્રજાપતિ (રહે.સાંકડ), દેવકણભાઈ વિરમાભાઈ ચૌધરી (ઉં.વ.30) અને વનાભાઈ જીવરાજભાઈ સુથાર (ઉં.વ.31) (રહે.સાંકડ)નો સમાવેશ થાય છે.દિપકભાઈ પ્રતાપભાઇ ઠાકરનો બે પુત્રો છે. જેમાં એક નાનો પુત્ર ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે. જ્યારે બીજો મોટો પુત્ર ધોરણ આઠમાં અભ્યાસ કરે છે. આ બન્ને બાળકોએ પતાની છત્રછાયા ગુમાવતાં નોંધારા બની ગયા છે.