ડીસામાંથી વધુ એક સગીરાનું અપહરણ થયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં પાલનપુર કોલેજમાં અભ્યાસ માટે નીકળેલી સગીરા પરત ન આવતા અને સગીરાએ યુએસ જવા નીકળી ગઈ હોવાનું જણાવતા તેના પરિવારે અજાણ્યા શખ્સ સામે અપહરણની ફરિયાદ નોંધાવી છે.
ડીસામાં હાઈવે પર આવેલી એક સોસાયટીમાં રહેતી 17 વર્ષીય સગીરા પાલનપુર કોલેજમાં અભ્યાસ કરે છે. ગઈકાલે તે રાબેતા મુજબ 11 વાગ્યે કોલેજમાં અભ્યાસ માટે જવાનું કહી ઘરેથી નીકળી હતી, પરંતુ મોડી સાંજ સુધી તે કોલેજથી ઘરે પરત આવી ન હતી. જેથી તેના પરિવારજનો ચિંતાતૂર બની સગીરાની શોધખોળ હાથ ધરી હતી.
એક અજાણ્યા નંબરથી સગીરાની માતા પર ફોન આવ્યો હતો અને તેમની દીકરીએ યુએસ જઈ રહી હોવાનું તેની માતાને જણાવ્યું હતું. તે સમયે તે અમદાવાદ એરપોર્ટ પર હતી અને ત્યાંથી ફ્લાઇટ દ્વારા મુંબઈ જવાની હતી અને ત્યાંથી તે યુએસ જઈ રહી હોવાનું મોબાઈલ પર જણાવ્યું હતું. અચાનક દીકરી વિદેશ જઈ રહી હોવાનું જણાવતા જ પરિવાર હતપ્રત બની ગયો હતો. બનાવને પગલે સગીરાના પિતા સહિત પરિવારજનો ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે પહોંચ્યા હતા અને અજાણ્યા શખ્સ સામે સગીરાના અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.