દિયોદર માર્કેટયાર્ડમાં રવિવારની રાત્રીએ તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં સાત દુકાનોના તાળા તોડ્યા હતા. જેમાં શિવ ટ્રેડર્સમાંથી રોકડ રૂપિયા રૂ.1.85 લાખની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. આ અંગે દિયોદર પોલીસે એફએસએલ અને ડોગ સ્કવોર્ડની મદદથી વધુ તપાસ હાથ ધરી હતી.એક જ રાતમાં સાત દુકાનોના તાળાં તૂટતાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

દિયોદર-કોટડા રોડ પર આવેલ નવીન માર્કેટયાર્ડમાં રવિવારની રાત્રીના સમયે શખ્સોએ સાત દુકાનોમાં હાથ ફેરો કર્યો હતો. જેમાં શિવ ટ્રેડર્સમાંથી રોકડ 1.85 લાખની ચોરી થઈ હતી. આ સિવાયની છ દુકાનોમાં ચોરી થયાનું અનુમાન મનાઇ રહ્યું છે.

જેમાં ગાયત્રી ટ્રેડર્સ, યોગેશ્વર ટ્રેડર્સ, શિવ ટ્રેડર્સ, વિવેક ટ્રેડર્સ, વાંકલ ટ્રેડર્સ, સુંધા ટ્રેડર્સ, દોશી રસિકલાલ શાંતિલાલ સહિત દુકાનનાં તાળાં તૂટતાં આ અંગે શિવ ટ્રેડર્સના માલિક નારણભાઈ શીવાભાઈ ભુરીયા (પટેલ) (રહે.વાતમ નવા) એ પોલીસ મથકે જાણ કરતા દિયોદર પોલીસે એફએસએલ અને ડોગ સ્કવોર્ડની મદદથી વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે એક સાથે સાત દુકાનોના તાળાં તૂટતાં વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ જે.એન.દેસાઈ ચલાવી રહ્યા છે.

સીસીટીવી કેમેરામાં બે તસ્કરો દેખાયા દિયોદર માર્કેટયાર્ડમાં શિવ ટ્રેડર્સમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં બે તસ્કરો મધરાત્રિના સમયે દેખાયા હતા. ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજ અને ડોગ સ્કવોર્ડ એફએસએલની મદદથી વધુ તપાસ હાથ ધરી હતી.