પાલનપુર- આબુ હાઇવે ઉપર ખેમાણા ટોલનાકાએ શુક્રવારે મોડી રાત્રે અમીરગઢના સરોત્રાના વાહન ચાલક પાસે ટેક્ષના નાણાં લેવા બાબતે થયેલી બોલાચાલીની અદાવત રાખી શનિવારે સાંજના સુમારે સરોત્રાના આઠ લુખ્ખા તત્વો દાદાગીરી ઉપર ઉતરી આવ્યા હતા. જેમણે ટેક્ષની માંગણી કેમ કરી તેમ કહી ટોલનાકાના કર્મચારીને કેબિનમાંથી બહાર ખેંચી લાકડી, પાઇપથી ઢોરમાર્યો હતો. તેમજ ટોલનાકાની તોડફોડ કરી હતી. આ અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
પાલનપુર- આબુ હાઇવે ઉપર ખેમાણા નજીક કાર્યરત નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ટોલનાકા ઉપર લાઇન આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતાં ચિત્રાસણીના જુનેદખાન ઉર્ફે કાળુભાઇ નથ્થુખાન સિંધી શુક્રવારે રાત્રે 11.00 કલાકે ફરજ ઉપર હતા. ત્યારે પાલનપુર તરફથી આવેલા કાર ચાલકે ફાસ્ટટેગ ન હોવા છતાં તે લાઇનમાં કાર લાવી હતી.
જેને ટોલ ભરવાનું કહેતા હું સરોત્રા ગામનો છુ. મને ઓળખતો નથી તેમ કહી નીકળી ગયો હતો. દરમિયાન જુનેદખાન શનિવારે સાંજે 7.00 વાગ્યે ફરજ ઉપર હતા. ત્યારે અમીરગઢ તરફથી આવેલી બે કારોમાં આવેલા સરોત્રાના નિકુલસિંહ રંગતસિંહ ડાભી, અનિલસિંહ કાનસિંહ ડાભી, સતિષકુમાર અરવિંદભાઇ બારોટ, જસવંતસિંહ ઉર્ફે ભાણો, બંટી બારોટ અને અન્ય બેથી ત્રણ શખ્સો ઘસી આવ્યા હતા. જેમણે કેબિનમાં બેઠેલા જુનેદખાનને બહાર ખેંચી તેમની ઉપર લાકડી, પાઇપોથી આડેધડ મારમાર્યો હતો. ચીસો પાડતાં ટોલનાકાનો અન્ય સ્ટાફ ત્યાં દોડી ગયો હતો.
આથી હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી નાસી ગયા હતા. આ અંગે જુનેદખાને આઠેય શખ્સો સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.ટોલનાકાના કર્મચારી ચિત્રાસણીના જુનેદખાન ઉર્ફે કાળુભાઇ નથ્થુખાન સિંધી છેલ્લા દસ વર્ષથી ટોલનાકાએ લાઇન આસીસસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. જેમની ઉપર હુમલાખોરો લાકડી, પાઇપો લઇ તૂટી પડતાં માથા તેમજ શરીરના ભાગે બેઠોમાર લાગ્યો હતો. તેમજ ડાબા હાથની કોણીએ ફ્રેકચર થયું હતુ. જેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.
આ અંગે પાલનપુરના ડી.વાય.એસ.પી. ડો. જે. જે. ગામીતે જણાવ્યું હતું કે, ટોલનાકાના કર્મચારી ઉપર હુમલો કરી તોડફોડ કરનારા હુમલાખોરોને પકડવા માટે પાલનપુર, અમીરગઢ પોલીસની ચાર ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે.