ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અત્યારે રખડતા પશુઓની સમસ્યા નિવારવા માટે તંત્રએ કમર કસી છે. ત્યારે ડીસામાં જાહેરમાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જેથી જાહેરમાં વેચાતો ઘાસચારો જપ્ત કરી નગરપાલિકાએ કડક કાર્યવાહી શરૂ કરી છે.
ડીસા શહેરમાં રખડતા પશુઓની સમસ્યા દૂર કરવા માટે પાલિકા દ્વારા ગુજરાત હાઈકોર્ટ અને રાજ્ય સરકારના આદેશ અનુસાર રખડતાં પશુઓ પકડવાની કામગીરી હાથ ધરી છે. ત્યારે શહેર રખડતાં પશુઓથી મુક્ત બને તે માટે જાહેર માર્ગો પર લીલા ઘાસચારોના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
ડીસા નાયબ કલેક્ટર દ્વારા ફરીથી જાહેરનામું બહાર પાડી જાહેર માર્ગો પર ઘાસચારો વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવ્યો છે. જેથી ડીસા નગરપાલિકા દ્વારા છેલ્લા બે દિવસથી શહેરના અલગ-અલગ રાજમાર્ગો પર લીલો ઘાસચારો વેચતા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
સવારથી જ નગરપાલિકાની ટીમ ઘાસચારો વેચતા સ્થળોએ પહોંચી લીલા ઘાસચારો જપ્ત કરી ટ્રેક્ટર મારફતે ગૌશાળામાં આપવામાં આવી રહ્યું છે. શહેરમાં જાહેરમાં ઘાસચારાનું વેચાણ બંધ થાય તો પશુ માલિકો પણ પોતાના પશુઓને રોડ પર છુટા મૂકશે નહીં.
નાયબ કલેક્ટરના જાહેરનામાનો અમલ કરવા માટે ડીસા નગરપાલિકા પણ ડીસા શહેર પોલીસ પર સક્રિય બને તેવી લેખિતમાં રજૂઆત કરી છે. જેથી નગરપાલિકા અને પોલીસ બંને સક્રિય બની જાહેરમાં ઘાસચારાનું વેચાણ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરે તો પશુઓની સમસ્યાથી મહદઅંશે છુટકારો મળી શકે તેમ છે.