લોકસભામાં બે લોકોની ઘૂસણખોરી સામે વિરોધ દર્શાવતા વિપક્ષના સંસદ સભ્યોને સસ્પેન્ડ કરવા મામલે આજે ડીસામાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને લોકશાહીનું હનન કરતી આવી ઘટનાને વખોડી સાંસદોને પાછા બોલાવવામાં આવે તેવી રાષ્ટ્રપતિને સંબોધીને રજૂઆત કરી હતી.
તા.13 ડિસેમ્બરના રોજ લોકસભામાં બે લોકો ઘુસી જતા ભારે હંગામો મચ્યો હતો. ત્યારે આ ઘુસણખોરી મામલે વિરોધ દર્શાવવા જતા અત્યાર સુધી કુલ 146 વિપક્ષના સાંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેના વિરોધમાં આજે ડીસામાં આમ આપી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું. વિરોધ દર્શાવવા કે રજૂઆત કરવા જતાં સાંસદ સભ્યોને સસ્પેન્ડ કરવાની ઘટનાને વખોડી હતી. સસ્પેન્ડ કરેલા સભ્યોને પરત બોલાવવામાં આવે તેવી રાષ્ટ્રપતિને સંબોધીને રજૂઆત કરી હતી.
આ અંગે આમ આદમી પાર્ટીના આગેવાન વિજયભાઇ દવેએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં ભારતીય લોકશાહીનું વારંવાર અપમાન થઈ રહ્યું છે, ખૂન થઈ રહ્યું છે, લોકશાહીમાં લોકોની રજૂઆતને અને સમસ્યાઓને સાંસદ સભ્યો લોકસભામાં કે રાજ્યસભામાં રજૂ કરતા હોય છે. ત્યારે સત્તાધારી પક્ષ સત્તાનો દુરુપયોગ કરી આવા સાંસદોને સસ્પેન્ડ કરે તે ઘટના લોકશાહીનું હનન કરનારી છે. ત્યારે સસ્પેન્ડ કરેલા સાંસદ સભ્યોને તાત્કાલિક પરત બોલાવવામાં આવે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે રાષ્ટ્રપતિને વિનંતી કરીએ છીએ.