ડીસા કોર્ટ સંકુલ ખાતે ડીસા બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં એડવોકેટ ડી.પી. દવે ત્રીજી વખત બાર એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.

ગુજરાત બાર કાઉન્સિલના માર્ગદર્શન રાજ્યના દરેક જિલ્લામાં દરેક બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ડીસા બાર એસોસિએશનની ચૂંટણી યોજાતા કુલ 413માંથી 364 સભ્યોએ મતદાન કર્યું હતું. જેમાં સૌથી વધુ મત એડવોકેટ ડી.પી. દવેને મળતા તેમનો જંગી બહુમતીથી વિજય થયો હતો. આ ઉપરાંત ઉપપ્રમુખ તરીકે એ. પી. પરમાર, સેક્રેટરી તરીકે શામળ પટેલ, જોઈન્ટ સેક્રેટરી તરીકે રાજુભાઈ ગઢવી વિજેતા બન્યા હતા. ચૂંટણી અધિકારી તરીકે એ.પી પઢિયારે ભૂમિકા ભજવી હતી.

એડવોકેટ ડીપી દવે ત્રીજી વખત ડીસા બાર એસોસિએશનના પ્રમુખ બન્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, વકીલોના હિત માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા હોવાથી તમામ વકીલોએ મારા પર ત્રીજી વખત વિશ્વાસ મૂક્યો છે. આજે ફરીથી મને ત્રીજી વખત પ્રમુખ તરીકે ચૂંટ્યો છે. જેથી આવનાર સમયમાં પણ ન્યાયના હિતમાં વકીલોના હિતમાં જે પણ પ્રશ્નો હશે તેનો ગુજરાત બાર કાઉન્સિલના સમન્વયથી હકારાત્મક ઉકેલ લાવવા પ્રયત્ન કરીશું.