BANASKATHA // પાલનપુર ના માનસરોવર ફાટક પાસે અઢી વર્ષની બાળકીની હત્યા કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો..
પાલનપુરના માનસરોવર ફાટક પાસે અઢી વર્ષની બાળકીની લાશ મળવા મામલે LCB પોલીસ અને પશ્ચિમ પોલીસે બાળકીની હત્યા કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે. પાલનપુરના બાવરી ડેરામાં રહેતા રીક્ષા ચાલક રવિ વઢિયારે બાળકીની હત્યા કરી હતી. ઘટનાના છ દિવસ બાદ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે, હત્યારાને તો પોલીસે ઝડપી પાડ્યો છે, પણ હત્યાંનું કારણ હજુ સામે આવ્યું નથી..
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના માનસરોવર ફાટક નજીક આવેલા બાવરી ડેરા માં રહેતા એક શ્રમિક પરિવાર ની બે વર્ષીય બાળકી 15 ડિસેમ્બર ના સાંજે ઝુંપડામાં સૂતી હતી અને તેની માતા ઘર બહાર કામ અર્થે ગઈ તે સમયે અચાનક ઝૂંપડામાં ખાટલામાં સૂતેલી બાળકી ગુમ થઈ ગઈ હતી. બાળકી ગુમ થઈ જતા બાળકીના માતા-પિતા સહિત આસપાસના લોકોએ બાળકીની શોધખોળ હાથ ધરી ઝૂંપડા સહિત આસપાસના વિસ્તારમાં શોધખોળ કરવા છતાં બાળકી ક્યાંય ન મળતા આખરે 2 કલાક બાદ ઝુંપડાથી થોડેક દૂર આવેલા જાડી જાખરાવાળા વિસ્તારમાં બાળકી મૃત હાલતમાં મળી આવી હતી..
બાળકીને મૃત હાલતમાં જોઈ પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાતા પરિવારે ઘટનાની જાણ પાલનપુર પશ્ચિમ પોલીસને કરી અને પશ્ચિમ પોલીસે ઘટના સ્થળે પહોંચી બાળકીના મૃતદેહનો કબજો મેળવ્યો હતો. બાળકીના માથાના ભાગે ઈજાના નિશાન દેખાયા હતા. પોલીસે 108 મારફતે બાળકીના મૃતદેહને પાલનપુરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જ્યાં બાળકીના પરિવાર દ્વારા બાળકીને અજાણ્યા શખ્સોએ ઝૂંપડામાંથી ઉપાડી તેની હત્યા કરી દીધી હોવાના આક્ષેપો કરવામાં આવ્યાં હતા. જેને પગલે ફોરેન્સિક પીએમ અર્થે બાળકીના મૃતદેહને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો અને પીએમ રિપોર્ટમાં બાળકીની હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું હતું. જે બાદ બનાસકાંઠા એલસીબી પોલીસ અને પશ્ચિમ પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા..
પશ્ચિમ પોલીસ અને એલસીબી પોલીસે છ દિવસ બાદ બાવરી ડેરામાં જ રહેતા અને રીક્ષા ચલાવતા રવિ પઢિયારને ઝડપી પાડ્યો છે. તપાસ દરમિયાન બે વર્ષની બાળકીની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી આરોપી રવિ પઢિયારે કયા કારણોસર બાળકીની હત્યા કરી છે તે જાણવા મળ્યું નથી. જિલ્લા પોલીસવડા અક્ષર રાજ મકવાણા એ જણાવ્યું હતું કે, હાલ આરોપીને ઝડપી પાડ્યો છે, અને તેની વધુ પૂછપરછ હાલ ચાલુ છે..