ડીસા-પાટણ હાઈવે પર આજે કારચાલકે બાઈક સવારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઈકચાલકને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

ડીસામાં યુ.જી.વી.સી.એલ.માં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા રામજી ઠાકોર આજે ડીસા-પાટણ હાઇવે પર બાઈક લઈને જઈ રહ્યા હતા. આસેડા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે પાછળથી પૂરપાટઝડપે આવી રહેલી કારે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈકચાલક રોડ પર પટકાતા પગના અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા લોહી લુહાણ થઈ ગયા હતા.

અકસ્માતને પગલે આજુબાજુના લોકો અને વાહનચાલકોએ ઊભા રહી રાહત કામગીરી શરૂ કરી હતી. જ્યારે 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ તરત જ બનાવસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત બાઈક ચાલકને સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા થઈ ગયા હતા જ્યારે ડીસા તાલુકા પોલીસ પણ બનાવસ્થળે પહોંચી અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડ ખસેડી રોડ ખુલ્લો કર્યો હતો.