બનાસકાંઠા જિલ્લા પુરવઠા વિભાગ છેલ્લા 15 દિવસથી અનાજ માફિયાઓ પર તવાઈ વરસાવી રહ્યું છે. જેમાં આજે ડીસામાં પણ અલગ અલગ ચાર જગ્યાએ દરોડા પાડી સસ્તા અનાજની દુકાનનો ગેરકાયદેસર સંગ્રહ કરેલા શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો હતો. જ્યારે દુકાન માલિકો હાજર ન થતા તેમના ગોડાઉન સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ડીસામાં આજે જિલ્લા પુરવઠા વિભાગ, ડીસા શહેર અને ગ્રામ્ય મામલતદારની સંયુક્ત ટીમોએ અલગ અલગ ચાર જગ્યાએ દરોડા પાડ્યા હતા. રીસાલા મંદિરની પાછળના ભાગે અલગ અલગ ચાર જગ્યાએ પુરવઠા વિભાગની ટીમે દરોડા પાડી સસ્તા અનાજની દુકાનનો અનાજનો જથ્થો જપ્ત કર્યો હતો.
આ દુકાનદારો સસ્તા અનાજની દુકાનના ગ્રાહકો પાસેથી રાશનના ઘઉં ચોખાની સસ્તા ભાવે ખરીદી કરી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરતા હતા અને ત્યાર બાદ ખુલ્લા બજારમાં મોંઘા ભાવે રાશનનું અનાજ વેચતા પુરવઠા વિભાગે દરોડા પાડ્યા હતા. બે જગ્યાએ દુકાનમાંથી ગેરકાયદેસર સંગ્રહ કરેલા ઘઉં, ચોખાનો જથ્થો જપ્ત કર્યો હતો.
અન્ય બે જગ્યાએ ગોડાઉનમાં અનાજનો જથ્થો સંગ્રહ કર્યો હતો, પરંતુ દુકાનના માલિકને બોલાવવા છતાં પણ તેઓ હાજર ન થતાં આખરે પુરવઠા વિભાગની ટીમે આ ગોડાઉન સીલ કરી દઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પુરવઠા વિભાગ છેલ્લા 15 દિવસથી અનાજ માફિયાઓ ઉપર તવાઇ વરસાવી રહ્યું છે.
પાલનપુર વડગામ, દાતા અને ડીસા સહિત અત્યાર સુધી અલગ અલગ આઠ જગ્યાએ દરોડા પાડી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલા અનાજનો જથ્થો જપ્ત કર્યો છે. ત્યારે પુરવઠા વિભાગની સખતાઈથી અનાજ માફીયાઓમાં ફફડાટ વ્યાપ્યો છે.