માલગઢ ના ખેડૂતે વ્યાજ સાથે નાણાં ચૂકવવા છતાં જમીન પરત નહીં મળતાં ઝેરી દવા પીધી.

ડીસામાં વ્યાજખોરના કારણે વધુ એક ખેડૂતે આત્મહત્યા કરવાની કોશિષ કરી છે, માલગઢના ખેડૂતે પોતાની જમીનના પૈસાની લેવડ-દેવડના મામલે વ્યાજ સાથે વધુ નાણાં ચૂકવવા છતાં જમીન પરત નહીં મળતા આખરે બુધવારે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. જે મામલે ડીસા તાલુકા પોલીસે વ્યાજખોર સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે..

ડીસા તાલુકાના વડાવળ ગામે રહેતા ખેડૂત પુત્ર વસંત શંકરલાલ માળીએ વર્ષ 2019 માં ફાયનાન્સની પેઢી ચલાવતા મુકુંદ મહેતા નામના શખ્સને ખેડૂત બનવા માટે પોતાની ચાર વીઘા જમીન આપી હતી. જેની સામે મુકુંદ મહેતા પાસેથી ખેડૂત પુત્રએ 3.21 લાખ લીધા હતા. જોકે જમીન પરત લેવા માટે 15 ટકા વ્યાજ સાથે 50 લાખ જેટલી માતબર રકમ ચૂકવા છતાં જમીન પરત નહીં મળતા માનસિક રીતે કંટાળી ગયા હતા. છેલ્લા બે મહિનાથી કંટાળીને ફરતા ખેડૂત પુત્રએ આખરે બુધવારે બનાસનદી પાસે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેના પરિવારજનોને જાણ થતાં તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ઝેરી દવાની અસર વધુ હોવાથી અસરગ્રસ્ત ખેડૂતને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો..

ઝેરી પ્રવાહી પી આત્મહત્યા કરતા પહેલા પીડિત ખેડૂતે સ્યુસાઈટ નોટ પણ લખી છે. જેમાં મુકુંદ મહેતા પાસેથી કેટલા પૈસા ક્યારે લીધા, કેટલા વ્યાજ સાથે ચૂકવ્યા તેનો પણ ઉલ્લેખ કર્યો છે. અસરગ્રસ્ત ખેડૂત અત્યારે હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે સારવાર લઇ રહ્યો છે. જે મામલે પીડિતના ભાઇ લક્ષ્મીચંદ માળીએ ડીસા તાલુકા પોલીસ મથકમાં આપઘાત માટે મજબૂર કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે સ્યુસાઈટ નોટ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે..