સામાન્ય સ્ત્રીને પણ જાજરમાન બનાવતું પરિધાન એટલે સાડી. જે આજની યુવા પેઢીમાં છેલ્લો વિકલ્પ બની ગયો છે. વિશ્વભરમાં દેશના રાષ્ટ્રીય પરિધાન સાડીની અલગ છબી તરી આવે તે હેતુથી 21 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય સાડી દિવસ ઉજવાય છે. જે અંતર્ગત આજે ડીસામાં પણ સ્ત્રી સમાજની મહિલાઓએ વિવિધ સ્ટેજ શો અને રેલી યોજી લોકોને સાડીનું મહત્વ સમજાવ્યું હતું.

સાડી જ એક એવું પરિધાન છે જે અનેક જે પેઢીઓ સુધી વારસાગત રીતે આપવામાં આવે છે. સાડીનો ઈતિહાસ 70 હજાર વર્ષ જૂનો છે. પ્રાચીન સમયમાં સાડી સંસ્કૃત શબ્દ 'સતી'ના નામે ઓળખાતી હતી ત્યારબાદ અપભ્રંશ થઈને સાદી અને હવે સાડી તરીકે ઓળખાય છે. મૌર્ય યુગ સુધી સ્ત્રીઓને સાડી પહેરતા આવડતી નહોતી તેઓ ધોતીની જેમ વિંટાળીને પહેરતી હતી. જેના ઉદાહરણ આજે પણ અજંતા-ઈલોરાની ગુફાના ચિત્રોમાં જોવા મળે છે. આજે પણ ઘણા એવાં ક્ષેત્રો જેવા કે, શિક્ષણ, કેર-ટેકર, એર હોસ્ટેસ, જ્વેલરી શો રુમ, હોસ્પિટલો જેમાં મહિલાઓ મોટેભાગે સાડી પહેરીને કલાકો સુધી કામ કરે છે. પરંતુ આધુનિક યુગની યુવતીઓમાં સાડી પ્રત્યે સુગ વધી રહી છે. ત્યારે ડીસામાં સ્ત્રી સમાજ દ્વારા આજે વિવિધ કાર્યક્રમો થકી લોકોને સાડીના મહત્વ અંગે સમજણ આપી હતી.

સ્ત્રી સમાજ દ્વારા આજે સાંઈબાબા મંદિર આગળ વિશ્વ સાડી દિવસ નિમિતે સ્ટેજ શોનું આયોજન કરાયું હતું. જેમાં તમામ મહિલાઓએ સાડી પહેરી વિવિધ ડાન્સ કર્યા હતા. ત્યારબાદ મહિલાઓએ રેલી યોજી હતી. સાઈબાબા મંદિરથી નીકળેલી રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી સ્ત્રી સમાજ હોલ ખાતે પહોંચી હતી અને લોકોને પરંપરાગત સ્ત્રીનું અનમોલ પરિધાન સાડીના મહત્વ અંગે સમજણ આપી હતી.