સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ ઉપરથી પસાર થતી રેલવે લાઇનના પગથીયા ચડીને કોઇ યુવતી ઉપર ગઇ હોવાની જાણ ભાજપના કાર્યકર ગેલાભાઇ ભરવાડ, મહેશભાઇ રાઠોડ અને દિપકભાઇને થઇ હતી. આથી આ યુવાનો રેલવેના પાટા ઉપર ગયા હતા. જ્યાં તેમણે જોયું કે, એક યુવતીએ પોતાના મોઢા ઉપર ચુંદડી બાંધી રાખી હતી.તેણી અહીંયા શા માટે આવી તેવું પૂછતા ગોળગોળ જવાબ આપતી હતી. પોતાનું કે પરિવારનું નામ પણ જણાવ્યું ન હતું. તેના પગમાં મહેદી પણ મુકેલી હતી. વારંવાર પૂછવામાં આવ્યું છતાં યુવતી કાઇ બોલતી ન હતી. આથી યુવાનોએ સાથે રહીને તેને પગથીયા ઉતારીને સમજાવી પોતાના ઘરે મોકલી આપી હતી. આ યુવતી પાટા ઉપર ટ્રેનની રાહ જોઇને બેઠી હોવાની સાથે આત્મહત્યા કરવા માટે આવી હોવાનું યુવાનોએ જણાવ્યું હતું. પરંતુ સેવાભાવી લોકોને કારણે એક યુવતીનો આજે જીવ બચી ગયો હતો.