સંસદના શિયાળુ સત્રના 12મા દિવસે મંગળવારે સાંસદોના સસ્પેન્શન મામલે વિપક્ષે બંને ગૃહોમાં હોબાળો મચાવ્યો હતો. સંસદના ગેટ પર વિપક્ષના સાંસદોએ સૂત્રોચ્ચાર કર્યા હતા.

સસ્પેન્ડેડ TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ સંસદના ગેટ પર રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડની મિમિક્રી કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધી સહિત વિપક્ષના ઘણા નેતાઓ હાજર રહ્યા હતા. રાહુલ ગાંધી વીડિયો બનાવતા જોવા મળ્યા હતા.

સંસદના શિયાળુ સત્રના 12મા દિવસે વિપક્ષે 92 સાંસદોના સસ્પેન્શન મામલે બંને ગૃહોમાં હોબાળો મચાવ્યો હતો. આ પહેલા વિપક્ષના નેતાઓએ સંસદ ભવન સંકુલમાં ગાંધી પ્રતિમાની સામે 'મોદીશાહી મુર્દાબાદ'ના નારા લગાવ્યા હતા. હોબાળાને કારણે લોકસભા પહેલા બપોરે 12 વાગ્યા સુધી અને પછી 12.30 સુધી સ્થગિત કરવામાં આવી હતી. બીજી તરફ રાજ્યસભાની કાર્યવાહી પણ બે વખત સ્થગિત કરવામાં આવી હતી.