ડીસાના આખોલ ચાર રસ્તા નજીક શાલીગ્રામ શોપિંગ સેન્ટરમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. બનાવને પગલે ડીસા નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ તત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
ડીસાના આખોલ ચાર રસ્તા પાસે નવા બનેલા શાલીગ્રામ શોપિંગ સેન્ટરમાં એક ભાગમાં બીજા અને ત્રીજા માળે સોમવારના સાંજના સુમારે અચાનક આગ ભભુકી ઉઠી હતી. શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. આગ લાગતા આજુબાજુના વેપારીઓમાં ભારે અફડાતફડી મચી હતી. જોત જોતામાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. આ અંગેની જાણ ડીસા નગરપાલિકાને કરાતા તાત્કાલિક ફાયર વિભાગની ટીમે પહોંચી જઈ ફાયર ફાઈટર વડે એકથી દોઢ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
આગ લાગતા આજુબાજુની ત્રણથી ચાર દુકાનોને પણ નુકસાન થવા પામ્યું હતું. આગ લાગવાના કારણે હાઇવે પર પણ ભારે ભીડ થતા થોડીવાર માટે ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો. વેપારીઓના જણાવ્યા મુજબ ઈલેક્ટ્રીક લાઈનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.