નર્મદાના નીર બનાસકાંઠાના છેવાડાના ગામડામાં પહોંચી રહ્યા છે. ત્યારે વાવના લોદ્રાણીમાં પણ નર્મદાના નીર પહોંચતા ગ્રામજનોમાં હરખની હેલી જોવા મળી રહી છે.
વાવના લોદ્રાણી ગામની વાત કરીએ તો ગામની વસ્તી આશરે બે હજાર જેટલી છે. ગ્રામજનો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે પોતાનો જીવન નિર્વાહ કરે છે. ઉનાળાના સમયમાં અહીં પીવાના અને સિંચાઇની સમસ્યા રહેતી હતી. હવે ગામનું તળાવ નર્મદાના નીરથી ભરવામાં આવતાં ગ્રામજનો, ખેડૂતો સહિત પશુ-પંખીઓને પીવાનું પાણી મળી રહેશે.
બનાસકાંઠાનો પશ્ચિમ વિસ્તાર અગાઉ સૂકો અને રણ વિસ્તાર ગણાતો હતો તે હવે હરીયાળો અને સમૃધ્ધ બન્યો છે. વર્ષ 2013-14થી બનાસકાંઠા જીલ્લાના થરાદ, વાવ, સુઇગામ તેમજ ભાભર તાલુકામાં વર્ષ 2013-14થી 1 લાખ 29 હજારથી વધુ હેક્ટર વિસ્તારમાં નર્મદા નહેર દ્વારા પિયત માટે પાણી પુરૂ પાડવામાં આવે છે.
ચાલુ રવિ સિઝનમાં વાવના લોદ્રાણીના તળાવને પણ નર્મદાના નીરથી ભરવામાં આવતા લોદ્રાણી સહિત આજુબાજુની ખેતી લાયક જમીનમાં પિયતનો લાભ થયો અને સાચા અર્થમાં નમામી દેવી નર્મદેનો હેતુ સિધ્ધ થયો છે.