પીએમના નેતૃત્વમાં ટેકનોલોજીના આ દાયકામાં ગુજરાત સરકારે લોકોને ટેકનોલોજીકલ પ્રગતિનો મહત્તમ લાભ મળે તે માટે ‘ઇઝ ઓફ લિવિંગ’ અભિગમ અપનાવ્યો છે.
ગુજરાતે અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સરકારી સેવાઓ સહિતની વિવિધ જાહેર સેવાઓને વધુ અસરકારક, સસ્તું, કાર્યક્ષમ અને ઝડપી બનાવવાની દિશામાં એક નવતર પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ માટે ગુજરાતની મહત્વાકાંક્ષી ‘ધ ડ્રોન પ્રમોશન એન્ડ યુસેજ પોલિસી’ની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ, ટેકનોલોજીના આ દાયકામાં, રાજ્ય સરકાર ટેકનોલોજીકલ પ્રગતિનો મહત્તમ લાભ લોકો સુધી પહોંચાડી જીવનની સરળતા વધારવા માટે પ્રતિબદ્ધ છે. રાજ્ય સરકારે આ ડ્રોન પ્રમોશન એન્ડ યુસેજ પોલિસીમાં વિવિધ સરકારી અને જાહેર સેવાઓને વધુ સુલભ બનાવવાની સાથે સાથે ડ્રોન ઇકોસિસ્ટમ દ્વારા રોજગારી સર્જનની નવી તકો ઊભી કરવાનું વિઝન લીધું છે.

ગુજરાતમાં, પોલીસ દળ પાસે હાલમાં ડ્રોનનો કાફલો છે જેનો ઉપયોગ કાયદાના અમલીકરણ માટે થાય છે. તાજેતરમાં યોજાયેલી રથયાત્રા દરમિયાન ડ્રોનનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો. આટલું જ નહીં, ગેરકાયદે ખનન પ્રવૃતિઓને અંકુશમાં લેવા માટે ઉદ્યોગ વિભાગે ‘ત્રિનેત્ર’ ડ્રોન પણ લોન્ચ કર્યું છે. ડ્રોનની વૈશ્વિક પહોંચની અપાર સંભાવના અને સ્કેલને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ડ્રોનના પ્રચાર અને ઉપયોગ માટે આ નીતિ જાહેર કરી છે. મુખ્યમંત્રી દ્વારા આ નીતિની જાહેરાતના પ્રસંગે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, મુખ્ય સચિવ પંકજ કુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર અને પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા પણ હાજર હતા.