ડીસા શહેરના મોઢ, મોદી, ઘાંચી સમાજ તેમજ રસ- રોટલી સમિતિ ટ્રસ્ટ દ્વારા લાટી બજાર ખાતે આવેલી મોદી સમાજની વાડીમાં રસ- રોટલી ભોજન તેમજ અન્નકુટ પ્રસાદનું સુંદર આયોજન કરવામા આવ્યું હતું. જેમાં ભરશિયાળે હજારો ભકતોએ રસ-રોટલી પ્રસાદની મજા માણી ધન્યતા અનુભવી હતી.
માગશર સુદ-2(બીજ)ના દિવસે મા બહુચરના ભક્તની લાજ રાખવા માટે માતાજીએ કેરીનો રસ અને રોટલીનુ જમણ કરાવ્યું હતું. કહેવાય છે કે, ત્રણ દાયકા પૂર્વે બહુચર માતાના ભગત એવા વલ્લભ ભટ્ટની ભક્તિની કસોટી કરવા માટે કેટલાંક જ્ઞાતિજનોએ ભરશિયાળે રસ રોટલીનું ભોજન માંગ્યું હતું.
વલ્લભ ભટ્ટ મા બહુચરની આરાધના કરતા હતા, ત્યારે શ્રી બહુચર મા તથા નારસંગાવીર દાદા વલ્લભ અને ધોળાના સ્વરૂપે હાજર થઈને સમાજના લોકોને રસ રોટલીનું ભોજન કરાવીને પોતાના ભક્ત એવા વલ્લભ ભટ્ટની લાજ રાખી હતી. આ વર્ષો જુની પરંપરાને ટકાવી રાખવા ડીસામાં મોદી સમાજ દ્વારા માગશર સુદ-2( બીજ)ના દિવસે રસ રોટલીના પ્રસાદનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે.
ડીસાના લાઠી બજાર વિસ્તારમાં આવેલી વાડી ખાતે આજે બહુચર માતાજીનો ભવ્ય અન્નકૂટ અને રસ રોટલી પ્રસાદનું આયોજન કરાયું હતું. જેમાં બહુચર માતાજીને મીઠાઈ, ફરસાણ, ફ્રૂટ સહિત અનેક વાનગીઓનો અન્નકૂટ ભરી ભક્તોએ આરાધના કરી હતી. ત્યારબાદ મોદી સમાજના હજારો ભક્તોએ રસ રોટલીનો પ્રસાદ આરોગી ધન્યતા અનુભવી હતી.