પાટડીના મેતાસર ગામે અસ્થિર મગજની આશરે ચાલીસ વર્ષની મહિલા ફરતી હોવાનું જાણવા મળતા મેતાસર ગામના ચિંતનભાઈ પ્રજાપતિએ પાટડી ખાતે સુરેન્દ્રનગર જીલ્લા મહિલા મોરચા મહામંત્રી રમીલાબેન મકવાણા અને ચિંતનભાઈ મહેતાનો સંપર્ક કરતા પોતાનું નામ રશ્મિબેન જણાવતી અસ્થિર મગજની મહિલાને પાટડી ખાતે લાવી, 181-અભયમની ટીમને સોંપવામાં આવી હતી.આ અંગે ચિંતનભાઈ મેહતાએ જણાવ્યું કે, અમને પાટડીના મેતાસર ગામેથી સમાચાર મળ્યા હતા કે, એક પાગલ જેવા બેન અહીં ફરે છે, બધા એને હેરાન કરે છે. તમે શક્ય એટલા ઝડપથી આવીને એને લઈ જાવ. ત્યારે ભાજપના મહિલા મોરચાના જિલ્લા મહામંત્રી રમીલાબેન મકવાણાએ અભયમ્ ટીમનો સંપર્ક કર્યો, અમે મેતાસર પહોંચ્યા. ગાડીમાં બેસાડવા ઘણી મથામણ કરવી પડી. એટલાથી ખબર પડી કે, બહેનને ખૂબ સતાવવામાં આવ્યા હશે. છેવટે થોડી નજદીકી કેળવીને ગાડીમાં બેસાડ્યા. પાણી પીવડાવ્યું.થોડી લાગણીથી રમીલાબેન અને સાથી મિત્ર અક્ષય રાઠોડે સવાલો કર્યા તો પોતાનું નામ રશ્મિ જણાવ્યું, ગામ ભરૂચ પાસેનું કોઈ ગામના નામનો ઉચ્ચાર ન્હોતો સમજાતો અને પિતાનું નામ એકવાર શંકરભાઈ કહ્યું પછી બે ત્રણ વખત અલગ-અલગ ઉચ્ચાર કર્યા. છેવટે પાટડી પહોંચીને એણે પકોડી ખાવાની માંગ કરી, હેતથી પકોડી ખવડાવીને અભયમ્ ટીમને સોંપવામાં આવી હતી.