(રાહુલ પ્રજાપતિ), હિંમતનગર
૩૧ ડિસેમ્બર આવી રહી છે ત્યારે કેટલાક બુટલેગરો રાજસ્થાનથી ગુપ્ત રસ્તાઓનો ઉપયોગ કરી પાસ પરમીટ વિનાનો દારૂ અને બિયરનો જથ્થો હિંમતનગર થઈ અન્ય જિલ્લાઓમાં પહોંચાડવાની પેરવી કરી રહ્યા છે ત્યારે ગુરૂવારે સાબરકાંઠા એલસીબીએ બાતમીને આધારે હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં નાકાબંધી કરીને રિક્ષા તથા એક નંબર વગરની કારમાંથી અંદાજે રૂા.ર.૭૭ લાખથી વધુની કિંમતની ૭૦૩ બોટલ તથા મોબાઈલ સાથે ચાર જણાને મુદ્દામાલ સાથે ઝડપી લઈને બંને ઘટનાઓ સંદર્ભે એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં માલ લઈ જનાર તથા મંગાવનાર સહિત સાત જણા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.
આ અંગે એલસીબીના પી.આઈ એ.જી.રાઠોડ તથા તેમના સ્ટાફને મળેલી બાતમી બાદ તેઓએ ગુરૂવારે વહેલી પરોઢે હિંમતનગરના સહકારીજીન વિસ્તારમાંથી પસાર થતાં નેશનલ હાઈવે પર નાકાબંધી કરી હતી. દરમ્યાન અહીંથી પસાર થઈ રહેલ નંબર વગરની એક કારને તપાસર્થે ઉભી રખાવી હતી. ત્યારબાદ કારમાં બેઠેલા અનિલ દાદુરામ ઉર્ફે દાદુજી હરીદેવ બરંડા તથા અનિલ ઉર્ફે અમિત જીવાજી બરંડા(બંંને રહે. નયાગાંવ, જી.ઉદેપુર) ની પુછપરછ કરી તપાસ કરતા તેમની કારમાંથી અંદાજે રૂા. ૧.૩૪ લાખની કિંમતની અંદાજે પર૮ દારૂ અને બિયરની બોટલો મળી આવી હતી.
તે જ પ્રમાણે આ જ વિસ્તારમાં એલસીબીએ બાતમીને આધારે રિક્ષા નં. જીજે.૩૮.ડબલ્યુ ૦૭૩૭ ને શંકાને આધારે રોકી તપાસ કરતા રીક્ષામાં જઈ રહેલા અંકિત ઉદયભાનગીરી તથા કરણ લવકુશભાઈ સોની(બંને રહે. અમદાવાદ) ની રિક્ષામાંથી અંદાજે રૂા. રપ હજારથી વધુની કિંમતની ૧૭પ દારૂની બોટલો મળી આવી હતી. જે અંંગે પોલીસે પુછપરછ કરતા તેમણે કોઈ આધાર પુરાવા રજૂ કર્યા ન હતા. ત્યારબાદ પોલીસે પાસ પરમીટ વિનાનો દારૂ અને બિયર સહિત જથ્થા સાથે અંદાજે રૂા. ૭.૩પ લાખનો મુદ્દામાલ કબજે લીધા બાદ પોલીસે બંને ઘટના સંદર્ભે પકડાયેલા ચાર તથા વીછીંવાડાથી દારૂ ભરી આપનાર અને સુભાષ પુનમચંદ્ર કલાલ સહિત માલ મંગાવનાર વિરૂધ્ધ હિંમતનગર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાઈ હતી.