ડીસામાં ભીલડી પોલીસે રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે દારૂની ગાડીની આગળ પાછળ પાયલોટિંગ કરતા ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. તેમજ દારૂ ભરેલી ગાડી સહિત કુલ ત્રણ ગાડીઓ સાથે 8.67 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ડીસા તાલુકામાં ભીલડી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે રાજસ્થાનથી દારૂ ભરીને ગાડી ભીલડી તરફ આવી રહી હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસે ગણેશપુરાના પાટીયા પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન એક જીપડાલાની આગળ પાછળ શંકાસ્પદ રીતે બે ગાડીઓ આવી રહી હોવાથી પોલીસને શંકા ગઈ હતી. જેથી પોલીસે ત્રણેય ગાડીઓ રોકાવતા પીકઅપ જીપડાલાનો ચાલક ગાડી મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
ભીલડી પોલીસે પીકઅપ જીપડાલાની તલાસી લેતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે આગળ પાછળ ચાલતી બે ઇકો ગાડીના ચાલકની પૂછપરછ કરતા તેઓ દારૂ ભરેલી ગાડીની પાયલોટિંગ કરતા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે બંને ચાલક સહિત ચાર શખ્સોની અટકાયત કરી હતી. જ્યારે ત્રણેય ગાડી સહિત કુલ 8.67 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.