સુરેન્દ્રનગર નજીક આવેલા દૂધરેજ નર્મદા કેનાલના પમ્પિંગ સ્ટેશનના ગેટ સાથે એક અજાણ્યા પુરૂષની લાશ ચોંટેલી હાલતમાં મળી આવી હતી. આથી ફાયરની ટીમે ભારે જહેમત બાદ લાશને બહાર કાઢી હતી અને સુરેન્દ્રનગર સિટી એ-ડિવિઝન પોલીસ ટીમે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.કેનાલ ગોઝારી બની હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. દુધરેજ નર્મદા કેનાલના પમ્પિંગ સ્ટેશન નજીક એક અજાણ્યા પુરૂષની લાશ પડી હોવા અંગે સુરેન્દ્રનગર ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા સબ ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી. લાશ પાણીના પ્રવાહના કારણે પમ્પિંગ સ્ટેશનના ગેઇટ સાથે ચોંટી ગઇ હોવાથી ફાયરની ટીમ દ્વારા ભારે જહેમત બાદ લાશને બહાર કાઢી હતી અને આ બનાવ અંગે સુરેન્દ્રનગર સિટી એ-ડિવિઝન પોલીસ ટીમને જાણ કરી હતી. પોલીસ ટીમે લાશનો કબજો લઇ લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતકની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. મૃતકની ઓળખ બાદ વધુ વિગતો બહાર આવશે તેવી શક્યતા સેવાઈ રહી છે.