ચોટીલા તાલુકાના ઢોકળવા ગામે બસ સ્ટેન્ડ પાસે અગાઉના પ્રેમસંબંધ બાબતે યુવકને લાકડી અને પાઈપ જેવા હથિયાર વડે મારમારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. તેમજ તલવાર બતાવી જાનથી મારી નાંખવાની ધમકી અંગે ચાર શખ્સો સામે નાની મોલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.ઢોકળવા ગામે રહેતા રોહિતભાઈ વિનુભાઈ બાવળિયાના કાકાની દિકરીના લગ્ન પ્રસંગનું ફુલેકુ હોવાથી ગામનાં બસ સ્ટેન્ડ પાસે આવેલા બાપા સીતારામના ઓટલે બહેનને પગે લગાડવા રોહિતભાઈ સહિત પરિવારજનો ગયા હતા. તે દરમિયાન ગામમાં જ રહેતા ચાર શખ્સો જીવરાજભાઈ રતાભાઈ ઝાપડીયા, ભોળાભાઈ ધુધાભાઈ ઝાપડીયા, મનસુખભાઈ રતાભાઈ ઝાપડીયા અને પ્રવિણભાઈ ચોથાભાઈ ઝાપડીયાએ અંદાજે બે વર્ષ પહેલા જીવરાજભાઈની દિકરી સાથે પ્રેમસંબંધ હોવાની શંકાના આધારે પાઈપ, લાકડી, તલવાર જેવા હથિયારો સાથે આવી બોલાચાલી કરી હતી અને પાઈપ વડે રોહિતભાઈના પગ સહિતના ભાગે ઘા ઝીંક્યા હતા.તેમજ સાથે રહેલા હિતેષભાઈને પણ પાઈપવડે માર માર્યો હતો. ઉપરાંત તલવાર બતાવી જાનથી મારી નંખવાની ધમકી આપી હતી. તે અંગે નાની મોલડી પોલીસ મથકે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.