ડીસામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આશા વર્કરોને સરકારે જાહેરાત કરેલા 2500 રૂપિયા અને ત્યાર બાદ અને છેલ્લા 9 મહિનાથી ઇન્સેનટીવના 50% લેખે ચૂકવવાના નાણાં પણ હજુ સુધી મળ્યા નથી. જેથી આજે તમામ આશા વર્કર બહેનોએ સરકાર સામે નારાજગી દર્શાવી તાલુકા હેલ્થ કચેરીએ આવેદનપત્ર આપી તાત્કાલિક તેમના હક્કના નાણાં ચૂકવવા રજૂઆત કરી હતી.

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આશા વર્કર બહેનો સામાન્ય પગારમાં નિષ્ઠાથી કામગીરી કરી રહી છે. તેમ છતાં પણ સરકારે પગાર વધારો ન વધારતા આખરે ગત વિધાનસભાની ચૂંટણી પૂર્વે આશા વર્કર બહેનોએ સરકાર સામે આંદોલન શરૂ કર્યું હતું. જેમાં સમાધાનના ભાગરૂપે સરકારે ગત મે-જૂન પછીથી 2500 રૂપિયાનો વધારો કર્યો હતો. ત્યાર બાદ ઇન્સેનટીવમાં 50% લેખે વધારો ચુકવવાની જાહેરાત કરી હતી, પરંતુ જાહેરાત કર્યા બાદ છેલ્લા 9 મહિનાથી ઇન્સેન્ટીવ કે વધારાના 2500 રૂપિયા સરકારે આશા વર્કર બહેનોને ચૂકવ્યા નથી.

આ મામલે આશા વર્કર બહેનોએ વારંવાર સરકારમાં રજૂઆત કરી હતી. તેમ છતાં પણ હજુ સુધી સરકારે તેમની વાત ન સંભાળતા આજે ડીસા તાલુકાની આશા વર્કર બહેનોએ સાઈબાબા મંદિર ખાતે એકઠા થઇ સરકાર સામે નારાજગી દર્શાવી હતી. તમામ બહેનોએ રેલી સ્વરૂપે તાલુકા હેલ્થ કચેરીએ પહોંચી આવેદનપત્ર આપી તાત્કાલિક તેમના હક્કના નાણાં ચૂકવવા માટેની માંગ કરી હતી.

આ બાબતે આશા વર્કર યુનિયનના પિન્કીબેન પરમાર અને અંજુબેન ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, એક બાજુ સરકારે કામનું ભારણ વધાર્યું છે, પરંતુ અમને ચૂકવવાના નાણાં સમયસર ચૂકવતા નથી. ગત મે-જૂનથી રૂ. 2500 વધારો આપવાની જાહેરાત કરી હતી તે પણ સરકારે હજુ સુધી આપ્યા નથી. તેમજ ઇન્સેનટિવના 50% લેખે ચુકવવાની થતી રકમ પણ છેલ્લા 9 મહિનાથી બાકી છે. જેથી આજે અમે આવેદનપત્ર આપી મારા હક્કના નાણાં તાત્કાલિક ચૂકવવા માટે રજૂઆત કરી છે.