ડીસાના વોર્ડ નં. 10 માં છેલ્લા ઘણા સમયથી ગટરનું ગંદુ પાણી ઉભરાતા લોકો પરેશાન થઈ ગયા છે. રોગચાળો ફેલાય તે પહેલાં ગટરના ગંદા પાણીના નિકાલનો કાયમી ઉકેલ લાવવાની રહીશોની માંગ છે.

ડીસાના વોર્ડ નં. 10 માં આવેલ ગોપાલ નગર રબારીવાસ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરો જામ થઈ ગઈ છે અને તેના કારણે ગટરનું ગંદુ પાણી રોડ પર ઉભરાઈ રહ્યું છે. આ વિસ્તારમાં અનેક જગ્યાએ ગટરનું ગંદુ પાણી ઉભરાતા ગંદા પાણીના ખાબોચિયા ભરાઈ ગયા છે. તેથી મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે. ગંદુ પાણી ભરાઈ રહેતા રોગચાળો ફેલાવવાની દહેશત સેવાઈ રહી છે.

આ અંગે સ્થાનિક રહીશ મહેશભાઇ સહીત લોકોએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં ગંદુ પાણી ખૂબ જ ઉભરાય છે અને ગંદુ પાણી ઘર આગળ જ ભરાઈ રહેતા હવે લોકો આ સમસ્યાથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે નગરપાલિકા આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી તેવી માગ કરી રહ્યા છે. આ બાબતે નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે અને પાણી પુરવઠાના ચેરમેન તેમજ વોર્ડ નં. 10 ના નગરસેવક અમિત રાજગોરને વાત કરતા તેમણે આ સમસ્યામાંથી લોકોને તાત્કાલિક મુકત કરાવવાની બાંહેધરી આપી હતી.