ડીસાની નેહરુનગર પ્રાથમિક શાળામાં આજે બે નવીન ઓરડા અને એક હોલનુ ઉદ્ઘાટન કરાયુ હતું. શાળામાં ભણેલા વિદ્યાર્થીએ ગુરુજનો અને શાળાનુ ઋણ ચુકવવા માટે 25 લાખના ખર્ચે ઓરડાઓ બનાવી અન્ય વિદ્યાર્થીઓને પણ પોતાની શાળામાં કે ગામના વિકાસમાં સહભાગી થવા અપીલ કરી હતી.

ડીસામા ટેકરા વિસ્તારમાં વર્ષો જૂની નેહરુનગર પ્રાથમિક શાળા આવેલી છે. પછાત વિસ્તારમાં આવેલી આ શાળામાં આજુબાજુમાંથી અનેક ગરીબ અને મધ્યમ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જોકે છેલ્લા ઘણા સમયથી શાળામાં ઓરડાઓની ઘટ હોવાથી વિદ્યાર્થીઓને અને શિક્ષકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે શાળામાં ભણીને ગયેલા કરસનભાઈ તગાભાઈ જોશીને આ વાત ધ્યાને આવતા તેઓ તરત જ શાળા અને ગુરુજનોનું ઋણ ચૂકવવા માટે તૈયાર થઈ ગયા હતા.

વર્ષો અગાઉ નહેરુનગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા કરસનભાઈ અત્યારે કરિયાણા અને સોના-ચાંદીનો વેપાર કરે છે. આર્થિક રીતે સધ્ધર હોવાથી તેમણે આ શાળામાં 25 લાખના ખર્ચે બે નવા ઓરડા અને એક હોલ બનાવ્યો છે. જેના ઉદ્ઘાટન પ્રસંગે આજે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ધારાસભ્ય અને દાતાએ અન્ય આર્થિક રીતે સધ્ધર બનેલા લોકોને પણ પોતાની શાળા કે ગામમાં વિકાસમાં સહભાગી થવા માટે અપીલ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો દરેક સફળ વ્યક્તિ પોતાની શાળા કે ગામના વિકાસમાં આ રીતે મદદ કરે તો પોતાનું ગામ જિલ્લો અને રાજ્ય રળિયામણું બની જશે.