વઢવાણ પીજીવીસીએલના નાયબ ઇજનેર પરેશકુમાર વી.પંચાલે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યુ કે વઢવાણ પીજીવીસીએલ પેટા વિભાગીય કચેરીના જુનીયર એન્જિનિયર, રાધીકાબા હરેન્દ્રસિંહ રાયજાદા, ઇલીક્ટ્રીક આસીસ્ટન્ટ મહેશભાઈ પુંજાભાઇ મકવાણા, ઇલીક્ટ્રીક આસીસ્ટન્ટ મહેબુબખાન હસનખાન કુરેશી, એપ્રેન્ટીસ હર્ષરાજસિંહ ઘનશ્યામસિંહ ડોડીયા વઢવાણ પીજીવીસીએલની બોલેરો ગાડી લઇને વઢવાણ તાલુકાના ટીંબા ગામે અગાઉથી મળેલી પાવર ચોરીની માહિતીના આધારે ટીંબા ગામે રબારી નેસ વિસ્તારમાં દક્ષાબેન દિલીપભાઈ પરમારના ઘરે વીજ ચેકિંગ માટે શુક્રવારે ગયા હતા. આ દરમિયાન મહેબુબખાન વીજચેકિંગવાળા મકાનની ફોટોગ્રાફી કરતા હતા. ત્યારે રવિભાઈ રબારીએ ગાળો આપી મહેબુબખાનનો કોલર પકડી મોબાઇલ ફોનમાં જે ફોટા પાડેલા છે તે ફોટા ડિલેટ કરવાનું કહ્યુ હતુ. આ ઉપરાંત મહેબુબખાનને બે ઝાપટ મારી દેકારો કરી મયુરભાઈ રબારી અને ગણપતભાઈ રબારીને બોલાવતા ત્રણેય શખસો ભેગા થઇ મહેબુબખાનને બરડામાં ઢીકાપાટુનો માર મારી મુંઢ ઇજાઓ પહોંચાડી હતી. અને ફરીથી ગામમાં આવશો તો જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં વઢવાણ પોલીસે ટીંબા ગામના રવિભાઇ રબારી, મયુરભાઈ રબારી અને ગણપતભાઇ રબારી સામે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ એમ.ડી.વાઘેલા ચલાવી રહ્યા છે.