રાજસ્થાનના જયપુર ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની તેમના ઘરમાં જ ઘુસી ગોળી મારી હત્યા કરવાના બનાવમાં સમગ્ર દેશમાં રજપૂત સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે ડીસામાં પણ કરણી સેના અને રાજપૂત સમાજ દ્વારા રેલી યોજી આવેદનપત્ર આપી હત્યારાઓનું એન્કાઉન્ટર કરવાની માંગ કરી છે.

શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાથી સમગ્ર દેશમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. રાજપૂત સમાજ દ્વારા હત્યારાઓને પકડી તાત્કાલિક કાર્યવાહી કરવા અંગે ઠેર ઠેર બંધના એલાનો તેમજ દેખાવો યોજી આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે.

 ત્યારે ડીસામાં રાજપૂત સમાજ તેમજ કરણી સેના અને હિન્દુ યુવા સંગઠન દ્વારા સરદારબાગ આગળ એકત્ર થઈ રેલી યોજવામાં આવી હતી. રેલી બગીચા મામલતદાર કચેરી રોડ થઈ એચડીએમ કચેરી પહોંચી હતી. જ્યાં નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાજપૂત સમાજ દ્વારા સુખદેવસિંહ ગોગામેડીના હત્યારાઓને તેમજ મુખ્ય સૂત્રધારોને ફાંસી આપવાની માંગ કરી હતી.

આ અંગે હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ મનોજ ઠાકોર અને શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ વિક્રમસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, સુખદેવસિંહ ગોગામેડીની હત્યાથી તમામ સમાજમાં ભારે રોષ ફેલાયો છે અને એટલા માટે આજે ડીસામાં પણ તમામ સમાજના અને સંગઠનના લોકોએ ભેગા થઈ આવેદનપત્ર આપ્યું છે. આ હત્યામાં સંડોવાયેલા તમામ લોકોનું એન્કાઉન્ટર કરવામાં આવે તેવી માંગ કરી છે.