ડીસાના આસેડા પાસેથી ફરી એકવાર બિલ વગરનો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. GST વિભાગની ટીમે ઘીનો જથ્થો જપ્ત કરી ગુંદરી કચેરી ખાતે લઈ જઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત રાજ્યની તમામ સેલટેક્ષ ચેકપોસ્ટો બંધ કરી અને જીએસટી ફ્લાઇંગ સ્કોર્ડ બનાવવામાં આવી છે અને ફ્લાઇંગ સ્કોર્ડ વિભાગની ટીમ બિલ વગરનો માલ પકડી જીએસટી વસૂલ કરી રહી છે. ત્યારે ડીસા-પાટણ હાઈવે પર આસેડા ગામ પાસે જીએસટી ભાગના અધિકારીઓ ચેકિંગમાં હતા. તે સમયે પાટણ તરફથી એક ખાનગી ટ્રાન્સપોર્ટની શંકાસ્પદ ગાડી આવી રહી હતી. જેથી જીએસટીની ટીમે ગાડી થોભાવી તલાસી લેતા તેમાંથી બિલ વગરનો ઘીનો જથ્થો મળી આવ્યો હતો.

જીએસટી વિભાગની ટીમ દ્વારા આ ઘીનો જથ્થો કબજે લઈ ગુંદરી જીએસટી વિભાગની ઓફિસે લઈ જવામાં આવ્યો હતો. જોકે આ વાતને ત્રણ દિવસ થયા હોવા છતાં સુઘી કાર્યવાહી ન થતા શંકાઓ ઉભી થઈ રહી છે. ત્યારે જીએસટી વિભાગની ટીમ ઘીના સેમ્પલ લઇ આ ઘી અખાદ્ય છે કે નહીં તે અંગે પણ તપાસ કરાવે તેવી લોકોની માંગ છે.