નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને વઢવાણ તાલુકાના ટુવા ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો.આ કાર્યક્રમમાં સંબોધન કરતાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં તા.15મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’ થી સમગ્ર દેશમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યાત્રા દેશનાં 2.50 લાખથી વધુ ગામોમાં ભ્રમણ કરશે. આ યાત્રા દરમિયાન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી છેવાડાના માનવી સુધી પહોંચાડી પાત્રતા ધરાવતા દરેક લાભાર્થીઓને લાભ આપવાનો છે.સરકારે આરોગ્ય ક્ષેત્રે લીધેલા નક્કર પગલાઓની વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે, દેશના દરેક વર્ગને વધુ સારી આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્ર્વની સૌથી મોટી આયુષ્માન ભારત યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત દેશનાં 50 કરોડ જેટલાં ગરીબ લોકોના સ્વાસ્થ્યને આવરી લેવામાં આવ્યું છે. આયુષ્માન ભારત યોજનામાં કુલ 1300થી વધુ પ્રકારની સર્જરી, તપાસ અને પ્રોસીજરનો લાભ મળે છે. દેશનાં પ્રત્યેક ગરીબ નાગરિકને મોટી બીમારીઓ અને મોટા ઓપરેશન તેમજ હોસ્પિટલમાં કરવામાં આવતી દરેક પ્રક્રિયાનો વિનામૂલ્યે લાભ મળશે. વધુમાં તેમણે સરકારી અધિકારીઓ અને પદાધિકારીઓને ટુવા ગામમાં એક પણ ઘર આયુષ્યમાન કાર્ડ વગર બાકી ન રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. વડાપ્રધાનએ ઉજ્જવલા યોજના શરૂ કરી દેશની બહેનોને ધુમાડામાંથી મુક્તિ અપાવી છે. આ ઉપરાંત તેમણે ગામના દરેક લોકોને સરકારની વિવિધ યોજનાઓના લાભો લેવા આગળ આવવા જણાવ્યું હતું.આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર કે.સી.સંપટે જણાવ્યું હતું કે, છેવાડાના લોકો સુધી કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. આ યાત્રામાં ભારત સરકારની આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના,પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી ઉજવલ્લા યોજના, પ્રધાનમંત્રી વિશ્ર્વકર્મા યોજના જેવી અલગ-અલગ 17 યોજનાઓથી દરેક નાગરિકો માહિતગાર બને અને આ યોજનાઓના લાભો દરેક લાભાર્થી સુધી પહોંચાડી શકાય એવા શુભ હેતુથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. યાત્રા દરમિયાન તમામ લાભાર્થીઓ સુધી યોજનાઓની જાણકારી પહોંચે અને એક પણ લાભાર્થી બાકી ન રહે તેની તકેદારી રાખવા પણ જણાવ્યું હતું.