ડીસા તાલુકાના અજાપુરા ગામે મસ્તી કરતાં છોકરાઓને ઠપકો આપતા ચાર શખસોને ઠપકો આપનાર પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઇજાગ્રસ્ત મજૂરે હુમલો કરનાર ચાર શખસો સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ડીસા તાલુકાના અજાપુરા ગામે રહેતા દલપતભાઈ પરમાર છુટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ અઠવાડિયા અગાઉ અજાપુરા ગામે રોડ પર આવેલા દુકાન મજૂરી કામે ગયા હતા. તે સમયે બહાર કેટલાક છોકરાઓ દુકાન પાસે એકબીજા પર ધૂળ ઉડાડી મસ્તી કરી રહ્યા હતા. જેથી તેમણે બાળકોને મસ્તી ન કરવાનું જણાવી ઠપકો આપ્યો હતો. જે અંગે છોકરાઓના પરિવારજનોને ખબર પડતા જ તેમના વાલીઓ દુકાન પાસે આવી પહોંચ્યા હતા અને ઠપકો આપનાર પર હુમલો કર્યો હતો.
અચાનક છોકરાઓના માતા-પિતા સહિત ચાર જેટલા વાલીઓએ ઠપકો આપનાર સામે જાતિ વિરૂદ્ધ અપશબ્દો બોલી ગડદાપાટુનો માર મારી હુમલો કરતા દલપતભાઇને ગંભીર ઈજા પહોચી હતી. તે દરમિયાન આજુબાજુના લોકોએ દોડી આવી દલપતભાઈને છોડાવ્યા હતા અને ઇજાગ્રસ્ત દલપતભાઈ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી. જે મામલે ઇજાગ્રસ્તે હુમલો કરનારા શ્રવણભાઈ માળી, ઉમીયાબેન માળી, ભીખાભાઈ માળી અને થાનાભાઈ માળી સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.