કમોસમી વરસાદ થતાં લગનના માંડવા પણ ભીંજાયા : ખેતીને તેમજ ઇંટોના ભઠ્ઠાવાળાઓને

 ભારે નુકસાન

           છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર પંથકમાં કમોસમી વરસાદ વરસી, એકાએક માવઠું થતાં કેટલાય લગનના માંડવા ભીંજાતા લગ્નમાં વિક્ષેપ પડયો હતો. તેમજ ખેતીમાં ભારે નુકસાન થતાં ધરતીપુત્રોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. તેમજ ઈટોના ભઠ્ઠા વાળાઓ કમોસમી વરસાદ થતા ભઠ્ઠા ઢાંકવા માટે દોડાદોડ કરતાં નજરે પડતા હતા.

             શિયાળાની ઋતુની ગુલાબી ઠંડીની શરૂઆત થઈ છે ત્યાં તો ચોમાસાની પ્રતિતી થઈ જાય તેવું માવઠું કરી વરસાદ વરસવાનું ચાલુ કરી દેતા કિશાનોને માથે હાથ દઇ રાતા પાણીથી રોવાનો વારો આવ્યો છે. રાત દિવસ એક કરી પાણીના સ્થાને પરસેવો રેડી ખેતીકામ કરતા કિસાનોને કમોસમી વરસાદ વરસતા કપાસના પાકને , મકાઇના પાકને તેમજ ટામેટા , મરચા શાકભાજીને ભારે નુકસાન થયું છે. અગાઉથી આગાહી કરવામાં આવી હતી કે માવઠું ગમે ત્યારે ત્રાટકશે તે પ્રમાણે આજે સવારથી ઝરમર ઝરમર વરસાદની શરૂઆત થઈ ગઈ હોય અને ચોમાસા જેવો વરસાદ વરસ્યો હતો. જાણે ચોમાસાની પ્રતિતી થતી હતી. શિયાળાના સમયે કેટલાક લોકોને રેનકોટ પહેરવાનો વારો આવ્યો હતો તો, કેટલાક લોકોને છત્રીઓ લઈને જવું પડ્યું હતું.

           એકાએક વરસાદ વરસતા કિસાનોની દોડાદોડ થઈ જવા પામી હતી. કેટલાક કિસાનોએ પોતાનો કપાસનો પાક કાઢી લીધો હોય ત્યારે કપાસ ઢાંકવા માટે દોડાદોડી થઈ હતી, તો જીનના માલિકોને લીધેલ કપાસના ઢગલાને ઢાંકવા માટે દોડાદોડ થઈ હતી, તો કેટલાક ઈટોના ભઠ્ઠા વાળાઓએ પોતાના ઈંટોના ભઠ્ઠા ઢાંકવા માટે દોડાદોડ કરવી પડી હતી. જ્યારે ઢોર ને ખાવા માટે ઘાસચારો જે ભર્યો હોય તે ઘાસચારાને પણ તાડપત્રી થી ઢાંકતા ધરતીપુત્રો નજરે પડતા હતા.

     આમ, એકાએક માવઠું થતાં દેવાના ડુંગરો કરી ખેતી કામ કરતા કિસાનોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે .

            આ વર્ષે લગ્નની સિઝન ચાલુ થઈ જવા પામી છે આ માવઠાના કારણે ગામડામાં કેટલાય લગ્નના માંડવા ભીંજાય જવા પામ્યા હતા અને લગ્નમાં દોડાદોડ થઈ જવા પામી હતી. કમોસમી વરસાદના કારણે ઠેર ઠેર પાણીના ખાબોચિયાં પણ ભરાઈ જવા પામ્યા હતા. પાવીજેતપુર થી જબુગામ વચ્ચે કુકણા પાસે એક મોટા વૃક્ષની ડાળી નમી પડી હતી જોકે બાજુમાં રસ્તો ખુલ્લો હોવાથી રસ્તો બંધ થયો ન હતો.

           આમ, પાવીજેતપુર પંથકમાં કમોસમી વરસાદ વરસવાના કારણે ખેતીને ભારે નુકસાન થવા પામ્યું છે તેમજ લગ્નના માંડવા ભીંજાતા લગ્નમાં ભારે વિક્ષેપ પડયો હતો.