રવિ કૃષિ મહોત્સવમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ચેક વિતરણ, પેમેન્ટ ઓર્ડર અને આયુષ્માન કાર્ડ વિતરણ કરવામાં આવ્યું. આજે પંડિત દિનદયાલ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્રભાઇ મુંજપરા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં વઢવાણ તાલુકાનો રવિ કૃષિ મહોત્સવ-2023 યોજાયો હતો.આ કાર્યક્રમમાં સંબોધન કરતાં કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે ખેડૂત કુટુંબને સહાયરૂપ થવા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મા નર્મદાનું પાણી ઘર-ઘર અને ખેતરે-ખેતરે પહોંચાડવાથી કૃષિ વિકાસને નવું જોમ મળ્યું છે.જિલ્લા કલેકટર કે.સી.સંપટે ઉપસ્થિત સૌને પ્રાકૃતિક કૃષિ વિશે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, આજથી બે વર્ષ પહેલા જિલ્લામાં 2500 જેટલા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલા હતા પરંતુ આજે 40 હજારથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલા છે. વધુમાં તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા ઉપસ્થિત સૌને જણાવ્યું હતું. કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્રભાઇ મુંજપરા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિતના મહાનુભાવોએ રવિ કૃષિ મહોત્સવમાં વિવિધ સ્ટોલોની મુલાકાત કરી સ્ટોલ ધારકો પાસેથી તેમના ઉત્પાદનો વિશેની માહિતી મેળવી હતી.જિલ્લા ખેતીવાડી અધિકારી એમ.આર.પરમાર દ્વારા કાર્યક્રમનું સ્વાગત પ્રવચન અને નાયબ બાગાયત નિયામક એન.બી.કાલાવાડિયા દ્વારા કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં ગૌતમગઢ ગામનાં ખેડૂત હમીરભાઇ પરમારે ઉપસ્થિત સૌને પ્રાકૃતિક કૃષિ વિશે અને કૃષિ વૈજ્ઞાનિકશ્રી દીપ પટેલે ખેતીમાં ખર્ચ ઘટાડવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત ઉપસ્થિત સૌએ કૃષિ વિકાસ અંગેની ફિલ્મને રસપૂર્વક નિહાળી હતી. આ ઉપરાંત રાજ્યકક્ષાના રવિ કૃષિ મહોત્સવ-2023નું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે ચેક વિતરણ, પેમેન્ટ ઓર્ડર અને આયુષ્માન કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું.