રાજ્યમાં ટીઆરબી જવાનોને છૂટા કરતા સમગ્ર રાજ્યમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આજે ડીસામાં પણ આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ ટીઆરબી જવાનોના સમર્થનમાં રાજ્યપાલને સંબોધીને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી સરકારને તેનો નિર્ણય પરત લેવા માટે રજૂઆત કરી હતી.
સરકાર દ્વારા રાજ્યમાં 6,000 જેટલા ટીઆરબી જવાનોને છુટા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત ડીસામાં પણ 23 જેટલા ટીઆરબી જવાનોને છુટા કરાતા સરકાર સામે ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આજે આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ પણ ટીઆરબી જવાનોને સમર્થન આપ્યું હતું અને ટીઆરબી જવાનોની વ્યથા અને પરિસ્થિતિ જોઈ રાજ્યપાલને સંબોધીને નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી ટીઆરબી જવાનોને છૂટા કરવાનો નિર્ણય સરકારે પરત ખેંચવા માટે રજૂઆત કરી હતી.
આ અંગે આમ આદમી પાર્ટીના નેતા ડૉ. રમેશ પટેલ અને બહુજન સમાજ પાર્ટીના આગેવાન પી.આર સોલંકીએ જણાવ્યું હતું કે, દસ વર્ષથી તડકા છાયડામાં, દિવસ રાત નોકરી કરતા ટીઆરબી જવાનોને અચાનક છુટા કરી દેતા તેમની હાલત કફોડી બની છે. ત્યારે સરકારે તેનો આ નિર્ણય પરત લેવો તેવો જોઈએ અને જો સરકાર ટીઆરબી જવાનોને છુટા કરવાનો નિર્ણય પરત નહી લે તો આગામી સમયમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે જેની જવાબદારી સરકારની રહેશે.