થરાદ-સાંચોર હાઇવે પર સોમવારે બપોરે લડતા-લડતા બે આખલાઓ એક એક્ટિવા ચાલક યુવકને ટકરાતા રોડ ઉપર પડી ગયેલા બાઇક ચાલક ઉપર પાછળથી આવતું ટ્રેક્ટર ફરી વળતા સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. બનાવને પગલે અરેરાટી સાથે ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.
દિયોદર તાલુકાના રૈયા ગામના રોહિતભાઈ નાગરલાલ ત્રિવેદી થરાદનગરની અંબિકા નગર સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. જેઓ પોસ્ટ રીકેરીંગની કામગીરી કરીને જીવન નિર્વાહ ચલાવે છે. રોહિતભાઈ ત્રિવેદી સોમવારે બપોરે થરાદ-સાંચોર હાઇવે પર પોતાના જીજે-08-બીઆર-2021 નંબરના એકટીવા પર હાઇવે વિસ્તારમાં પોસ્ટના રીકરીંગના હપ્તાની ઉઘરાણી કરીને ગામ તરફ આવી રહ્યા હતા.
આ વખતે સાંચોર હાઇવે પરના સીએનજી પંપ પાસે આવતા લડતા-લડતા આવેલા બે આખલા તેમના એકટીવા સાથે ટકરાયા હતા. આથી તેઓ રોડ ઉપર પડી ગયા હતા. આ વખતે પસાર થઈ રહેલા જીજે-08-સીજી-6705 નંબરના ટ્રેક્ટરના કપચી ભરેલ ટ્રોલીના પૈડા તળે આવી જતા માથું છુંદાઈ જતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું. હાઇવે ઉપર ટ્રાફિકજામ સર્જાયો હતો. ટ્રેક્ટર ચાલક થોડે દૂર આગળ જઈને ટ્રેક્ટર મૂકી નાસી છૂટ્યો હતો. મૃતદેહને પીએમ અર્થે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
મિલનસાર અને હસમુખો સ્વભાવ ધરાવતા રોહિતભાઈ ત્રિવેદીના આકસ્મિક અવસાનના પગલે થરાદ શહેર અને સમાજમાં ગમગીની સાથે ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. દોડી આવેલી થરાદ પોલીસે ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરાવી હતી.