પાટડી મલ્ટીપર્પઝ સોસાયટીના ચેરમેને સોસાયટીના કર્મચારી વિરૂદ્ધ જ રૂ. 50.81 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે પાટડી બહુચર્ચિત સહકારી મંડળી ઉચાપત કેસમાં બીજી વખત ફરિયાદ નોંધાઈ છે. દસાડા તાલુકાના પાટડી સ્થિત પાટડી ગ્રુપ કો-ઓપરેટીવ મલ્ટી પર્પઝ સોસાયટી લી.માં ખેડૂતોના નામે રૂ. 58 લાખથી વધુ રકમની છેતરપિંડી ઉચાપત થતા ખેડૂતે ત્રણ શખશો વિરૂદ્ધ ગત 20 સપ્ટેમ્બરે પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં હજુ સુધી આરોપીઓ પોલીસ પકડમાં આવ્યા નથી. ત્યાં પાટડી પોલીસ મથકે લાંબાગાળા બાદ મંડળીના ચેરમેન રાજેન્દ્રકુમાર ખોડીદાસ પટેલ દ્વારા અગાઉના આરોપી પૈકી એક આરોપી ચેલાજી મણાજી ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.જેમાં આ કામના આરોપી ચેલાજી મણાજી ઠાકોરે મંડળીના ખેડૂત સભાસદોએ અગાઉ ઉપાડેલા પાક ધિરાણના રોકડા રૂ. 17,16,955 પોતાની સહીવાળી પહોંચ આપીને રકમ મંડળીમાં કે બેંકમાં જમા ન આપવાની સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરી તેમજ મંડળીના ખેડૂત સભાસદોએ તા- 14/6/22થી 28/6/23 સુધી કોઈપણ જાતનું પાક ધિરાણ લીધેલું નં હોવા છતાં ખેડૂતોની જાણ બહાર રોકડા રૂ. 28,25,000ની ઉચાપત કરી હતી.વધુમાં આ કામના આરોપી ચેલાજી મણાજી ઠાકોરે સહકારી મંડળીની હાથ ઉપરની સીલક રકમ રૂ. 5,39,212 જમા નહીં કરી કુલ રૂ. 50,81,167ની ધી પાટડી ગૃપ કો.ઓ.મલ્ટી પર્પઝ સોસાયટી લી. પાટડી તથા ખેડૂત સભાસદો સાથે છેતરપિંડી ઉચાપતની પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક જ ગુના સબબ ફરી બીજી વખત એ જ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થતા રહસ્ય ઘેરાયુ છે. જેમાં ઓગસ્ટ મહિનામાં થયેલી ઉચાપતની સપ્ટેમ્બરમાં ફરિયાદ થઈ હતી, ત્યારે મંડળીના કર્તા હર્તા દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી. અને ત્રણ મહિના બાદ પાટડી પોલીસ મથકે મંડળીના ચેરમેન રાજુભાઈ પટેલ દ્વારા ફરિયાદ નોંધાવતા ઉચાપત કેસ ફરી ચર્ચામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી એકપણ આરોપી પાટડી પોલીસની પકડમાં આવ્યા નથી, તેથી ખેડૂતોમા રોષ પણ જોવા મળી રહ્યો છે. આ કેસની વધુ તપાસ પાટડી પીએસઆઇ ચલાવી રહ્યાં છે.