ડીસામાં લાભ પાંચમના દિવસે મોડી સાંજે આખોલ ચાર રસ્તા પાસે ટ્રાફિકજામ સર્જાયો હતો. જેના કારણે હજારો વાહન ચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી.

તહેવારોના કારણે બજારોમાં અને હાઇવે પર લોકોની અવરજવર ખૂબ જ વધી જાય છે અને તેના કારણે ઠેર હેર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા હોય છે. ત્યારે ડીસામાં પણ આખોલ ચાર રસ્તા પાસે આજે મોડી સાંજે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ચાર રસ્તા સર્કલ પર જ વાહન ચાલકો સામસામે આવી જતા ટ્રાફિક જામ સર્જાતા હજારો વાહનચાલકો અટવાઈ પડ્યા હતા.

ડીસાથી સરહદી વિસ્તાર થરાદ, વાવ ધાનેરા સહિત રાજસ્થાન તરફ જવા માટે આખોલ ચાર રસ્તા પર થઈને પસાર થવું પડતું હોય છે અને અહીં ટ્રાફિક જામ થતા રાજસ્થાન તરફ જતા વાહનચાલકોએ કલાકો સુધી ભારે હાલાકી ભોગવવી પડી હતી. જોકે, બાદમાં ટ્રાફિક પોલીસ તરત જ બનાવ સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક ખુલ્લો કરાવતા વાહનચાલકોએ હાશકારો અનુભવ્યો હતો.