બનાસકાંઠાના ડીસા પંથકમાં સતત બીજા દિવસે સીપુ કેનાલનું પાણી વીડફાઇ રહ્યું હોવાની ઘટના સામે આવી છે. પાણી માટે ટળવળતા ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળવાને બદલે વ્યર્થ વેડફાઈ જતા ખેડૂતોમાં તંત્ર સામે ભારે રોષ ફેલાયો હતો.
ડીસા તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે સિપુ જળાશય યોજના બનાવવામાં આવી છે. પરંતુ પૂરતો વરસાદ ન થવાના કારણે 2017 પછી આ વર્ષે સીપુ જળાશય યોજનામાં પાણી આવતા ડીસા પંથકના ખેડૂતોની માગણીને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ પાણી આપવામાં આવી રહ્યું છે. પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે ખેડૂતોને પાણી મળવાને બદલે કેટલી જગ્યાએ વ્યર્થ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ગઈકાલે જ સીપુ કેનાલમાં મોટું ગાબડું પડ્યા બાદ આજે બીજા દિવસે જ ઝેરડા પાસે કેનાલનું પાણી આગળ જવાને બદલે પાઇપ મારફતે વેડફાઈ રહ્યું છે.
ઝેરડા પાસે પસાર થતી સીપુ કેનાલમાં પાણી છોડતા જ કેનાલમાં પાણી આગળ જવાને બદલે વચ્ચેથી જ પાઇપ મારફતે વેડફાઈ રહ્યું છે અને લાખો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. પાણી વચ્ચેથી જ ફંટાઈ જતા આગળ આવતા ગૂગલ, શેરપુરા સહિતના ગામડાઓના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી શકતું નથી. ખેડૂતોને પાણી મળવાને બદલે વ્યર્થ વેડફાઈ જતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો.
આ અંગે સ્થાનિક ખેડૂત અગ્રણી જામાભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, ઝેરડા પાસેથી પસાર થતી સીપુ કેનાલમાં આજે લાખો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. અધિકારીઓને ફોન કરવા છતાં કોઈ જવાબ મળતો નથી. ત્યારે જિલ્લા કલેક્ટર આ બાબતે તપાસ કરાવી જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી.