ડીસા તાલુકાના જુનાડીસા ગામે પતિ-પત્ની અને યુવક-યુવતી સહિત ચાર મુમુક્ષોનો વર્ષીદાનનો વરઘોડો યોજાયો હતો. જેમાં સંસારનો ત્યાગ કરી સૈયમના માર્ગે જઈ રહેલા ચારેય મુમુક્ષોએ છૂટા હાથે દાનની સરવાણી વહાવી હતી.
ડીસા તાલુકાના જુનાડીસા ગામે રહેતા અનેક જૈન પરિવારો ધંધાર્થે સુરત સહિત અનેક મેગા સીટીમાં સ્થાયી થયા છે પરંતુ તેઓ આજે પણ તેમના ધર્મનું સંપૂર્ણપણે પાલન કરી રહ્યા છે. તેવામાં જુનાડીસાના વતની અને સુરતમાં રહેતા ચાર સંતાનોના પિતા દીપેનભાઈ શાહ અને તેમની પત્ની સીતાબેન શાહે હવે સંયમના માર્ગે જવાનો નિર્ણય લીધો છે.
જે અંતર્ગત આજે તેમના માદરે વતન જુનાડીસા ગામે વર્ષીદાનનો વરઘોડો યોજાયો હતો. દીપેનભાઈના ચાર સંતાનોમાંથી એક પુત્ર અને એક પુત્રીએ અગાઉ દીક્ષા લીધેલી છે. ત્યારે બે સંતાનો બાદ હવે તેમના માતા-પિતાએ પણ સંયમનો માર્ગ અપનાવ્યો છે.
આ સિવાય સુરતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અશોકભાઈ દોશીનો 27 વર્ષીય અપરણિત પુત્ર વિશ્વાસ દોશી તેમજ પરેશભાઈ શાહની 19 વર્ષીય અપરણિત પુત્રી પ્રિયાંશી શાહનો પણ સંયમના માર્ગે જવાનો નિર્ધાર કરતા આજે તેમનો પણ માદરે વતન જુનાડીસા ખાતે વર્ષિદાનનો વરઘોડો યોજાયો હતો.
આમ આ ચાર મુમુક્ષોનો આજે જુનડીસાના મુખ્ય માર્ગો પર વર્ષીદાનનો વરઘોડો ફરતા તેઓએ છૂટ્ટા હાથે દાનની સરવાણી વહાવી હતી. તેમજ આગામી ડિસેમ્બર અને જાન્યુઆરીમાં તેઓ સુરત ખાતેથી દીક્ષા ગ્રહણ કરશે. વર્ષીદાનના વરઘોડા સહિતના કાર્યક્રમોમાં જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.